ગુજરાત

ગુજરાતમાં 30થી વધુ આંદોલનો, શું ચૂંટણી પહેલા સરકાર કોઇ માસ્ટર સ્ટ્રોક મારશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર અને ભાજપ માટે સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે એક પછી આંદોલનો અને વિરોધ બંધ થતા નથી. ગુજરાતમાં  લગભગ 30 જેટલા આંદોલનો ચાલી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે ચૂંટણી પહેલાં ભાજપ કોઇ માસ્ટર ટ્રોક મારશે, પણ જો આંદોલનનો ઉકેલ ન આવે તો ભાજપને ભારે પડી શકે છે.

 તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સચિવો સાથે  એરપોર્ટ પર જ 1કલાકની બેઠક કરી હતી અને આંદોલનો થાળે પાડવાની તાકીદ કરી હતી. એ પછી ભૂપેન્દ્ર પટેલે એક કમિટીની રચના પણ કરી છે. ગુજરાતમાં અત્યારે જોઇએ તો ખેડુતો આંદોલન કરી રહ્યા છે, જૂની પેન્શન યોજના સામે લડત ચાલી રહી છે. નિવૃત સૈનિકો પણ વિરોધ કરી રહ્યા છે. માલધારીઓ પણ  ઢોર કાયદા નિયંત્રણના વિરોધમાં હડતાળની ચિમકી આપી રહ્યા છે. આંગણવાડીની બહેનો, વિધાસહાયકો આવા તો 30થી વધુ આંદોલનો ગુજરાતને ગજવી રહ્યા છે.

રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરાયો છે જેની સામે હાઇકોર્ટની દખલગીરી બાદ સરકારે પગલા લેવા પડ્યા છે. જેના કારણે માલધારી સમાજમાં ભારે રોષ છવાયો છે. આ કાયદો પાછો ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં જંગી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. આ સાથે માલધારીઓએ એલાન પણ કર્યુ છે કે, તારીખ 21મીએ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો-માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે. એટલું જ નહીં, ડેરીમાં પણ દૂધ નહીં ભરે. આ લોકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો આ કાયદો પાછો નહીં લેવામાં આવે તો, ગુજરાતભરમાંથી માલધારી સમાજ ગાંધીનગરમાં ધામા નાંખશે.

શિક્ષકોએ પણ સરકાર સામે લડત ચલાવી છે. સરકારી કર્મચારીઓ જ્યાં સુધી જૂની પેન્શન યોજના ઉપરાંતના પ્રશ્નો નહીં ઉકેલે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખશે. ભારતીય કિસાન સંઘ રાજ્ય સરકાર સામે આક્રમક મૂડમાં છે. છેલ્લા 24 દિવસથી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં ખેડૂતો ધરણાં યોજીને વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા 43 દિવસથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને કારણે પંચાયતમાં આરોગ્યલક્ષી કામગીરી ખોરંભે પડી છે. ગુજરાત રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ પણ હવે સામે આવ્યા છે. વર્ગ 4ના કર્મચારીઓએ પણ આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપીને પડતર માંગો સ્વિકારવાની રજૂઆત કરી છે.

એસટી કર્મીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. રવિવારે અમદાવાદમાં ગીતામંદિર ખાતે એસટી કર્મચારીઓની બેઠક મળી હતી. જેમા નક્કી કરવામાં આવ્યુ હતુ કે, સોમવારે બધા એસટી કર્મચારીઓ માસ સીએલનો રિપોર્ટ આપશે. તારીખ 21 અને 22મીએ દરેક એસટી ડેપોમાં રિસેસ દરમિયાન કર્મચારીઓ ઘંટનાદ કરીને વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે 22મીએ મધ્યરાત્રીથી એસટીના પૈડા થંભી જશે.

Related Posts