અરવિંદ ત્રિવેદીએ લગભગ ૩૦૦ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમાં ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જાેયા દાદા પરદેશ જાેયા’ જેવી અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. આ સિવાય અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’, ‘આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.ટીવી દુનિયાની લોકપ્રિય ધારાવાહિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.
અરવિંદ ત્રિવેદીએ ૮૬ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી અનેક લોકોના દિલમાં રાજ કરતા હતા. તેમની ભૂમિકા લોકોને ખુબ જ પસંદ પડતી હતી. જાણકારોના મતે અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર આજે મુંબઈના દહાનુકરવાડી સ્મશાન ઘાટ પર થશે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા, પરંતુ ગત મોડીરાત્રે હાર્ટએટેકના કારણે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચારને તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ પુષ્ટિ કરી હતી.
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચારથી તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રામાયણ સિરીયલના “લંકેશ”થી અરવિંદ ત્રિવેદી ઘર ઘરમાં જાણીતા હતા. મૂળ સાબરકાંઠા ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં. અરવિંદ ત્રિવેદીના ગામ સાબરકાંઠાના કુકડીયામાં શોકનો માહોલ ફેલાયો છે. અરવિંદ ત્રિવેદીએ ૩૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને તેમનો ઓજસ પાથર્યું છે.
Recent Comments