ગુજરાત

ગુજરાત અને રાજસ્થાનમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરી કરતી બિજુડા ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં લુંટ, ધાડ, ઘરફોડ વાહન ચોરી કરતી બિજુડા ગેંગના હિંમતનગરથી વિજાપુર નજીક બાઈક પર જઇ રહેલા મુખ્ય સુત્રધારને સારોલી ગામના પાટીયા નજીકથી ઝડપી લીધો હતો. ગુજરાત તથા રાજસ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરી કરી આંતક મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાઓમાં બિજુડા ગેંગે કરેલી ૨૬ ગુનાનો ભેદ ઉકેલી સોના-ચાંદીના દાગીના તથા બાઈક, મોબાઇલ મળી કુલ રૂપિયા ૨,૫૬,૬૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટેકનીકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ચોરીમાં પકડાયેલ ભગવાન બહેચર ડુહા તથા હરીશ રામાલાલ મનાત તથા ગણેશ બચુ ડુહા (તમામ રહે. રાજસ્થાન)એ અલગ અલગ ગેંગો બનાવી લુંટ તથા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે.

તેથી એલસીબી ટીમના હરપાલસિંહ, સલીમ, કલ્પેશકુમાર, નિરીલકુમાર, રાજેશકુમાર, અનિરૂધ્ધસિંહ, મિતરાજસિંહ, જશુભાઇ, ચંદ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ સહિત પોલીસ ટીમે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીને આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના લુંટના ગુનાઓને અંજામ આપનાર બિજુડા ગેંગનો હરીશ રામાલાલ મનાત તથા એક અન્ય કિશોર બાઈક લઇ હિંમતનગરથી વિજાપુર રોડ તરફ નિકળવાના છે. જેથી બાતમીના આધારે રાત્રી સમય દરમિયાન હિંમતનગર વિજાપુર રોડ ઉપર સારોલી ગામના પાટીયા નજીક વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યુ તે દરમિયાન બાતમીવાળુ મોટરસાયકલ પર આવેલા શખ્સની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ હરીશ રામાલાલ મનાત જણાવ્યુ હતુ અને તેની સાથે અન્ય ગુનામાં સંડોવાયેલ કિશોર હોવાનુ માલુમ પડયુ હતુ.

જેથી આ બન્ને શખ્સોને પકડી હરીશ મનાત પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી બે મોબાઇલ ફોન, એક લેપટોપ ચાર્જીંગ વાયર, પીળા સોના જેવી ધાતુની ચેન નંગ-૧, વીંટીઓ નંગ-૨ તથા ચાંદીના છડા, સહિત કુલ રૂપિયા ૨.૫૬ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. વધુ પુછપરછ કરતા તથા ઇગુજકોપથી સર્ચ કરતા આ આરોપીઓ સાથે ચોરીમાં મદદ કરનાર અન્ય પાંચ શખ્સોની સંડોવણી પણ હોવાનું માલુમ પડ્યુ હતુ. જેની વધુ પુછપરછ કરતા અન્ય ૧૧ ગુનાઓની કબુલાત કરી હતી. હિંમતનગર એ ડિવીઝન, ઇડર, વડાલી, ગાંભોઇ, વિજાપુર, હિંમતનગર ગ્રામ્ય તેમજ કલોલ, માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૫ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો. તો પાંચ પૈકી ત્રણ આરોપીઓ ખેરવાડા જેલમાં અને બે ફરાર જેમાં ભગવાન બેચર ડુહા,ગણેશબચુ ડુહા, પપ્પુ કાઉવા ડુહા જેલમાં અને વિનોદ ધુલેશ્વર મનાત અને જીતેન્દ્ર ઉર્ફે લાલો કાળીયો મોઘજી ડામોર ફરાર છે.

Related Posts