ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઓનલાઇન વેબિનાર યોજાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેન માનનીય ન્યાયમૂર્તિશ્રી યુ.યુ. લલિત સાહેબ, જજ, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન તથા દીશા સુચન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મફત અને સક્ષમ રીતે વિવિધ કાનૂની સેવાઓ પુરી પાડવામા આવે છે. જે પૈકી પક્ષકારોને અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા તો, તેઓ પર કેસ થયેલ હોય અને બચાવ માટે જરૂર હોય તો કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ હેઠળ આવતી તમામ વ્યકિતઓને મફત લીગલ એઈડ એડવોકેટની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. તે માટે તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતીઓ આવા લીગલ એડવોકેટની પેનલ નિભાવતી હોય છે. તેમજ આ પેનલ એડવોકેટની કાર્ય ક્ષમતામાં વધારો થાય તે હેતુથી અવાર નવાર તાલિમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
હાલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજયમાં આવેલ કાનૂની સેવા સત્તામંડળો તથા સમિતિઓ સાથે જોડાયેલા લીગલ એઈડ એડવોકેટો માટે ઓનલાઈન વેબિનારનું તા. ૦૫ ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયું હતું. આ વેબિનારમાં સમગ્ર રાજયમાંથી ૧૬૫ પેનલ એડવોકેટોએ ભાગ લીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અરવિંદ કુમાર, ચીફ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ તેમજ પેટ્રન-ઈન-ચીફ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ તથા ન્યાયમૂર્તિશ્રી આર.એમ. છાયા, જજ, હાઈકોર્ટ ઓફ ગુજરાત તથા એકઝીકયુટીવ ચેરમેન, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળનાઓ હાજર રહેલા. તેમજ બંને ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જે.એમ. પંચાલ દ્વારા સેશન્સ ટ્રાયલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જરૂરી હોય તેવી બારીકાઈઓ વિશે છણાવટ કરવામાં આવી હતી. તેઓએ રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપી હતી. જેઓની સેવાઓને પણ ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.
Recent Comments