અમરેલી

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન યોજાયું

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા અને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત અમરેલી ખાતે નવા બની રહેલ એસ.ટી ડેપો સહિતના એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રીશ્રીના વરદ હસ્તે આ કેમ્પેઈનનો લોગો, ઝીંગલ તથા ક્યુ આર કોડ થકી પેસેન્જર ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરુઆત કરવામાં આવી હતી. આ અભિયાનનું આયોજન લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા હેશટેગ સાથે કેમ્પેઈનનો પ્રચાર-પ્રસાર અમરેલી વિભાગના તમામ બસ સ્ટેશન તથા કંટ્રોલ પોઈન્ટના બસ સ્ટેશનો ખાતેથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુતરીયા, એસ.ટી. વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ અભિયાન અંતર્ગત પ્રથમ, બીજું અને ત્રીજું અઠવાડિયું વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે, તેમ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી વિભાગીય નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts