ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો
મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા હતા.
પોલીસે હાલ 7 આરોપીની ઓળખ કરી લીધી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે. બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. આ અંગે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે A બ્લોકમાં તોડફોડ તથા મારામારી મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.જે મામલે કુલ નવ ટીમ તપાસ કરી રહી છે.ટીમે તપાસના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં બપોર બાદ બહારની વ્યક્તિઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. કુલપતિ અને રજિસ્ટ્રાર A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. A બ્લોક બહાર એક PSI સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે. જ્યારે યુનિવર્સિટીના પણ 10થી વધુ સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે.હોસ્ટેલમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું હતું કે, મોડી રાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56ને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું. રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. કેટલાક લોકોનું ટોળું આવી અને તમારે અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં. મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. તેમ કહી બોલા ચાલી અને ઝપાઝપી કરી હતી. રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી અને ચાર ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ટોળામાં હુમલો કરનાર એક વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. સાંજ સુધીમાં પોલીસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અલગ-અલગ નવ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં સમગ્ર ઘટના બાબતે વિગત બહાર આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરતા હતા, તે દરમિયાન કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા જેથી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.બહારથી આવેલા યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને માર્યા હતા. જે મામલે અમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે.માત્ર નમાઝનો જ વિવાદ નહોતો. પહેલેથી બન્ને ગ્રૂપની વચ્ચે આ ચાલતું હતું. એ તપાસનો વિષય છે, વિદેશી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં નમાઝ કરવી કે નહીં તે મુદ્દે અમે વિદેશી વિદ્યાર્થીઓનું કલ્ચરલ ઓરિએન્ટેશન(જે તે દેશની સંસ્કૃતિ અનૂકુળ વલણ) કરીશું. તેમજ સુરક્ષા વધે એવી વ્યવસ્થા કરીશું. પોલીસ પાસે તમામ વીડિયો પહોંચી ગયા છે. આ આખો પોલીસ તપાસનો વિષય છે.
દરીયાપુરના ભાજપનાં ધારાસભ્ય કૌશિક જૈન પણ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા આ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. જે પણ લોકો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
હાલમાં પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી નીરજ બડબુજર, સાઇબર ક્રાઇમ ડીસીપી અજીત રાજ્યાન, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નીરજા ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ સાથે જ રૂમ નંબર 23માં પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી છે. પોલીસ કમિશનર દ્વારા સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી. જેમાં IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ, રાજ્યના DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઇમ JCP નીરજ બડગુજર, સાયબર ક્રાઇમના DCP અજિત રાજીયન સહિતના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. બેઠક બાદ હર્ષ સંઘવી સહિતના બેઠકમાં હાજર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્ચાર્જ ઝોન 1 ડીસીપી દ્વારા સમગ્ર હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments