પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૮ ઓકટોબર, ૨૦૨૪ને સોમવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓશ્રી લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકામાં આવેલ ગાગડીયો નદી પર જળ સંગ્રહના કાર્યો થયા છે.
ગાગડીયો નદીનો ઉદ્ભવ બાબરા તાલુકાના ચમારડી ગામે થાય છે તે ગાગડીયો નદી ૫૩ કિમી લંબાઇ ધરાવે છે. શેત્રુંજી નદી સાથેનું તેનું સંગમ સ્થાન ક્રાંકચ ગામે છે. ગુજરાત સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી થયેલા કામમાં હરસુરપુરથી ક્રાંકચ સુધીમાં ગાગડીયો નદીને ૨૯ કિમી લંબાઇમાં રુ.૩૫ કરોડના ખર્ચે ઉંડી અને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ વર્ષ ૨૦૧૭માં થયો હતો. આ કામગીરીમાં ૩૦ સરોવર, ૫ નવા ચેકડેમ અને ૫ ચેકડેમ રિપેરિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
ગાગડીયો નદીને ૨૯ કિમી લંબાઇમાં આશરે ૩૨ લાખ ઘન મીટર માટી-કાપનું ડિસિલ્ટીંગ કરવામાં આવ્યું. ચેકડેમના પાળાઓના મજબૂતીકરણના કાર્યો પણ કરવામાં આવ્યા. આ કામોના પરિણામે ચેકડેમ અને સરોવરની જળસંગ્રહ શક્તિમાં આશરે ૩૨૦ કરોડ લીટરનો ઉમેરો થયો છે. ગાગડીયો નદીને પુનઃજીવિત કરવાના આ વિકાસ કાર્યમાં ૧૫ ગામની ૩૮૦૦ એકર જમીનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇનો લાભ મળ્યો છે. ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઉંચા આવ્યા છે જેના લીધે પાણીની સગવડમાં વધારો થયો છે. આમ, ગાગડીયો નદીનું નવસર્જન થયું છે.
Recent Comments