પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી, આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થયા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને વડીયા-કુંકાવાવ તાલુકા મામલતદાર કચેરી ખાતે વડીયા-કુંકાવાવ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તાલુકા સ્વાગત અને ગ્રામ્ય સ્વાગત અંતર્ગત તાલુકાના રોડ રસ્તા રીપેરીંગ-પેચવર્ક, આંગણવાડી સાફ સફાઈ-ગટર રિપેરીંગ, સ્ટ્રીટ લાઈટ, વિધવા સહાય મંજૂરી, ગેરકાયદેસર દબાણ હટાવવા, એસ.ટી બસ સેવાના બંધ રુટ ચાલુ કરવા સહિતના અરજદારોના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ સૂચના આપતા એ પણ જણાવ્યુ હતુ કે, તાલુકા સ્વાગતમાં અરજદારોની અરજીઓ સંદર્ભે અને પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કાળજી લઈને ઝડપથી તેનું હકારાત્મક નિરાકરણ આવે તેમ કામગીરી કરે તે ઉપરાંત અરજદારોને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેની પણ વિશેષ કાળજી રાખે.
રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ નિયમિત રીતે યોજવામાં આવે છે. નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે સવિશેષ પ્રયાસ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, આગામી તા.૨૭ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના અધ્ક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કક્ષાએથી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમની સમીક્ષા પણ કરવામાં આવશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડીયા કુંકાવાવ મામલતદારશ્રી મહેતા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments