fbpx
ભાવનગર

“ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ ” શિક્ષણનું અનોખું આંદોલન 

આજના અતિ સ્વકેન્દ્રી સમયમાં કોઈ સંસ્થા કે વિચાર વર્તુળ પદ, પ્રતિષ્ઠા અને પૈસા વગર કાર્ય કરે તે સંભવ છે?!હા,એવી એક સંસ્થા છે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ.આવી સંસ્થાઓને ઉતમ લોકપ્રતિસાદ મળતો હોય તેવા ઉદાહરણ જવલ્લેજ જોવા મળે ! પરંતુ આ વાત ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી સિદ્ધ અને સાબિત થઈ છે.
ત્રણ વર્ષથી આ સંસ્થાનું ગઠન થતાં તેની વિવિધ કાર્ય પદ્ધતિઓ નક્કી કરવામાં આવી. જેમાં સંસ્થામાં કોઈ હોદ્દેદાર ન હોય,કોઈ નાણાં ન હોય,તેનું કોઈ ચોક્કસ માળખું એટલે કે બંધારણ ન હોય ! પરંતુ માત્ર નૈષ્ઠીક ઉદ્દેશો અને ધ્યેયો માટે મથામણ કરવાની ખેવના માત્ર હોય. 3 એપ્રિલ 2022 ના રોજ ઔપચારિક રીતે તેની જાહેરાત કરવામાં આવી.
ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરતાં નિવૃત તથા પ્રવૃત લોકોએ એક અવાજે આવી વાતને સ્વીકારી લઈને સમગ્ર આયોજનના સંકલનમાં ગુજરાતમાં લેખન, પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં યથાર્થ કામથી નામ મેળવી શકેલા શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે પાટણના સંપુર્ણ શિક્ષણ સાધુ નિવૃત્ત શિક્ષક શ્રી શામજીભાઈ દેસાઈ અને ભરૂચના આચાર્ય અને સંચાલક શ્રી ડો. મહેશભાઈ ઠાકર પણ સાથે જોડાઈ ગયાં,અને પછી કારવા બઢતા ગયાં.શિક્ષણ સાથે નિસબત ધરાવતા લોકો પણ આ કામમાં પોતાનો રાજીપો વ્યક્ત કરવા સાથે ડગલાં ભરતાં થયાં,એક સુંદર મજાની સંસ્થા પા….પા… પગલી ભરતા ભરતા વટ વૃક્ષ બનવા તરફ આગળ વધવા લાગી.અહી એક નોંધપાત્ર હકીકત એ છે કે આ સંસ્થા સાથે સતત જોડાણ ધરાવતાં 170 થી વધું શિક્ષણ સાધકો પૈકીના લગભગ 150 થી વધું શિક્ષક ભાઈ બહેનો કોઈને કોઈ શિક્ષણ એવોર્ડ પ્રાપ્ત છે.
શિક્ષણ સમર્પિત આ સંસ્થાનું કોઈ બંધારણ નથી,પરંતુ તેનો આચાર જરૂર છે. નક્કી થયું કે સંસ્થામાં કોઈ ભંડોળ ઊભું ન કરવું અને કોઈ પાસેથી શક્ય હોય ત્યાં સુધી ફીના રૂપમાં કોઈ નાણાં ન સ્વીકારવા.શિક્ષણના નીતિગત પ્રશ્નોને રાજ્યકક્ષાએ વાચા મળે અને જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષણનીતિના સંદર્ભમાં રજૂઆતો થાય,ત્યારે પોતાનો સ્પષ્ટ અવાજ સરકારના કાન સુધી પહોંચાડી શકાય. સાથોસાથ સરકારી તથા અન્ય વ્યવસ્થામાં કાર્યરત શિક્ષકોને પ્રોત્સાહન અને બળ આપી તે માટેના વિવિધ સન્માનોનું આયોજન કરવું. જે શિક્ષક ભાઈ બહેનો ઉતમ કામ કરી રહ્યાં છે. તેના કામને સમગ્ર ગુજરાત સુધી અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચાડવા પ્રયત્ન કરવો તેમજ તેમનામાં રહેલી ક્ષમતાને વેગવંતી બનાવવી, વિવિધ પ્રકારના પ્રકાશનો અને માધ્યમોથી શિક્ષકોના કામને ગતિ આપવી. રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને શિક્ષણના પાયાના પ્રશ્નો માટે લડવું.વિદ્યાર્થીઓ, વાલીઓને માર્ગદર્શન આપીને મદદ કરવી.આ પ્રકારના મકસદ સાથે આ સંસ્થાએ શિક્ષણનો ઝંડો હાથમાં લીધો.
છ માસે એક વખત સંગોષ્ઠિમાં બધાં જ સાધકો કોઈ એક સ્થળે મળે અને તેની યજમાની જે તે સંસ્થા કરે જેથી ખર્ચનો પ્રશ્ન ન હોય.વર્ષમાં એકાદ વખત શિક્ષણના સમર્પિત સૈનિકોને બિરદાવવા “ફોરમ એવોર્ડ” આપવામાં આવે અને એવોર્ડ જે તે યજમાનના અનુદાન, સૌજન્યથી અપાય અને તેમાં મૂલ્યલક્ષી શિક્ષણની વાત વધુ અસરકારક રીતે ધ્યાનમાં લેવાય.
છેલ્લા દોઢ બે વર્ષથી ધોરણ 10 માં વિદ્યાર્થીઓનો વિષય પસંદગીનો પ્રશ્ન હોય, કોરોના કાળમાં પછી શાળા ચાલુ કરવાનો પ્રશ્ન હોય કે પછી અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી અંગ્રેજીનું સંમિશ્રણ હોય, આ સંસ્થાએ રાજ્ય સરકારના ધ્યાનમાં પોતાનો મત પ્રગટ કર્યો છે. તેના અસરકારક પરિણામો પણ મળ્યાં છે. અત્યાર સુધી ચાર સંગોષ્ઠિનું આયોજન થયું છે તેમાં ખુબ સારી સફળતા મળી છે. સાધકો સ્વેચ્છાએ જોડાયાં છે. જેમાં પ્રથમ સંગોષ્ઠિ લોકનિકેતન રતનપુર, જિ. બનાસકાંઠા ખાતે આયોજિત થઈ. તેનો વિષય “ગુણવત્તા શિક્ષણ” હતો. જેમાં મહતમ સભ્યો ઉપસ્થિત રહ્યાં. બીજી સંગોષ્ઠિનુ યજમાનપદ કડી સર્વ વિદ્યાલયે સ્વીકાર્યું હતું. જેનો વિષય” મુલ્ય શિક્ષણ” હતો. ડો.જે જે વોરા ( ઉપકુલપતિ શ્રી) કિરણસિંહ ચાવડા, ગજાનન જોશી, ડો.અશ્ર્વિન આણદાણી, ડો.હેંમત ઓઝા, પુ. વિદુષી ગીતાદીદી, ડો રાઘવજી માધડ, ડો નિતીન પેથાણી, વલ્લભભાઈ પટેલ(કડી) જેવાં માનંવતા મહેમાનશ્રીઓ પોતાનાં મુલ્યવાન વિચારો પ્રગટાવવા આ સંગોષ્ઠિઓમા પધારી સૌને કૃતકૃત્ય કર્યા છે.તૃતિય સંગોષ્ઠિ સાસણ ખાતે ‘પર્યાવરણ શિક્ષણ’ પર યોજાઈ જેમાં ડો.મોહન રામ,પ્રો.પ્રશાંત ચાહવાલા,પક્ષીવિદ્ અજિત ભટ્ટ વગેરે વિદ્વાનો ઉપસ્થિત હતાં.ચતુર્થ સંગોષ્ઠિ ‘વાંચન શિક્ષણ’ પરજાંબુઘોડા જિ પંચમહાલ ખાતે યોજાઈ.જેમા શ્રી પ્રવિણ ઠક્કર,ડો.ભરત મહેતા,ડો.જયદેવ શુક્લ,પ્રા નિખિલ મોરી જેવા સારસ્વતોનો જ્ઞાન લાભ મળ્યો.
સંસ્થા દ્વારા ગુજરાતના 13 જિલ્લામાંથી પસંદ કરાયેલાં ઈનોવેટિવ નિવૃત અને પ્રવૃત્ત શિક્ષકોની કાર્યકુશળતા અને તેમનો પરિચય કરાવતું એક પ્રકાશન પુસ્તક રૂપે “શિક્ષણના ધ્રુવ તારકો” ના શીર્ષક તળે પ્રગટ થયું છે.આગામી દિવસોમાં એક બીજું પુસ્તક ગુજરાતની શ્રેષ્ઠશાળાઓનો પરિચય કરાવતું “મારી શાળા:આચાર અને નવાચાર” પ્રકાશિત થવાની તૈયારી ચાલી રહીં છે.
સંસ્થાએ 2024 ના ધો 10/12 ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાઓની તૈયારી માટે મોટીવેશન અને માર્ગદર્શનનું અભિયાન લગભગ 10 જિલ્લામાં ચલાવીને 17 જેટલાં શિક્ષક પ્રવક્તાઓએ 6000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પરિક્ષાના ભારથી મુક્ત કર્યા.આ અભિયાનનુ શિર્ષક હતું”ધો 10/12 ચપટીમાં પાર” આ પ્રકારના અનેક રચનાત્મક કાર્યો સંસ્થાએ શિક્ષણવિદ્ તખુભાઈ સાંડસુરના પ્રેરણાત્મક આયોજનથી પાર પાડ્યા છે.ગુજરાતના શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌ કોઈને એક નવીનતમ પ્રતિતી કરાવી છે કે આમ પણ થઈ શકે છે!!
આગામી પાંચમી સંગોષ્ઠિ ભાન્ડુપુરા, જિ જુનાગઢ ખાતે 10-11 મે દરમિયાન ‘કારકિર્દી શિક્ષણ ‘ના વિષય સંદર્ભે યોજાઈ રહી છે. જેમા ગુજરાતના ચાર શિક્ષક ભાઈ બહેનોને “ફોરમ શિક્ષક એવોર્ડ”થી નવાજવામાં આવશે. જેમાં શિક્ષકને રું 2100 રોકડ પુરસ્કાર,શાલ અને પ્રશસ્તિપત્ર એનાયત થાય છે.આવી ઉતમ સંસ્થાઓ સાથે જોડાવું તે પણ લાભપ્રદ હોય છે. શિક્ષણની જ્યોતને પ્રજવલ્લિત રાખવા માટે આ સમયમાં આવી સંસ્થાની તાતી જરૂરિયાત હોય છે. અપેક્ષિત એક ઘોર અંધકારના સમયકાળમાં નિસ્વાર્થ ભાવથી નિર્માણ થયેલ આવી જ્યોતિરુપ સંસ્થાઓની મથામણ સરાહનીય છે.આ આંદોલનની સફળતા અને યથાર્થ ક્રિયાન્વયન માટે ગુજરાતના અગ્રિમ હરોળના શિક્ષણ સમર્પિત કાર્યકર્તા કે જેઓ માધ્યમિક શાળાના આચાર્યપદે નિવૃત થયાં પછી પણ થોભ્યા નથી બલ્કે બમણાં જુસ્સા સાથે ગુણવત્તા અને ગ્રામ શિક્ષણ માટે દોડતાં અનુભવાયા છે તેવા તખુભાઈ સાંડસુરને શ્રેય આપવું પડે! આ સંસ્થામાં જોડાયેલા પાયાના પથ્થર સમાન આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.એવા દાતા અને યજમાનશ્રીઓને જેટલા સરાહીએ એટલાં ઓછાં! પણ તેમની કદરદાનીને પણ લાખ લાખ સલામ.

Follow Me:

Related Posts