ગુજરાત સમગ્ર દેશમાં વિકસિત મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ યોજના થકી સમાજમાં હકારાત્મક પરિવર્તન આવ્યું – વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ, ખાતમુર્હૂત થયું હતું.અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ આ પ્રસંગે ભાતીગળ લોક સાંસ્કૃતિક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી જિલ્લામાં સામાન્ય વહીવટ વિભાગ (આયોજન પ્રભાગ), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના રુ. ૧૫.૫૭ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ ૧૨૪ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે રુ.૨.૫૭ કરોડના ખર્ચે ૯૪ વિકાસકામોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યુ કે, તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાને રુ. ૨૯૨ કરોડથી વધુની રકમના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ ધપી રહી છે, નર્મદા નદીના પાણી આજે સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યા છે.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પૂર્વે શરુ કરી તે વિકાસ યાત્રા સતત આગળ ધપી રહી છે. ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં વિકસિત ‘મોડેલ સ્ટેટ’ તરીકે ખ્યાતિ પામ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન સાથે સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ પ્રસંગોચિત્ત ઉદ્બોધન કરીને કેન્દ્ર સરકારની વિવિધ ૨૩ મહત્વપૂર્ણ યોજનાઓ વિશે ટૂંકમાં સાર રજૂ કર્યો હતો. ‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.
અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ખાતમૂહુર્ત કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, પદાધીકારીશ્રીઓ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકીયા, નાયબ કલેક્ટર શ્રી પૂજાબેન જોટાણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સહિતના અધિકારી શ્રીઓ, કર્મયોગીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી વિમલ મહેતા અને શ્રી વિજયદાન ગઢવીના કલાવૃંદે ઢળતી સાંજે લોક સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ સાથે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
Recent Comments