ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પર વેરા પેટે ૨ વર્ષમાં ૨૬,૯૧૦ કરોડની આવક થઇ
ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને આંબી રહી છે. પેટ્રોલની કિંમત ૮૮ને પાર પહોંચી છે. તો ડીઝલની કિંમત પણ ૮૮ની નજીક છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય જનતાને રડાવી રહી છે. અને આ કિંમતો ઘટે તેવી માગ જનતા કરી રહી છે. પણ આ વચ્ચે જ વિધાનસભામાં ખુલાસો થયો છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર વેટ નાખીને રાજ્ય સરકારે હજારો કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.
રાજ્યમાં એકબાજુ મોંઘવારીએ માજા મૂકી છે. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને પણ પ્રજા પરેશાન છે. ડીઝલની કિંમતોમાં ઉછાળો આવતાં અન્ય વસ્તુઓનાં ભાવોમાં પણ વધારો થયો છે. વિધાનસભાના અપક્ષ ધારાસભ્યના સવાલના જવાબમાં ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ અને સેસની આવકનો આંકડો જાહેર કર્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત સરકારને બે વર્ષમાં વેટની અધધ આવક થઈ છે. રાજ્યમાં પેટ્રોલ પર ૨૦.૧%, ડીઝલ પર ૨૦.૨% વેટ અને ૪% સેસ લાગે છે આમ પેટ્રોલ પર વેરા પેટે રૂ.૮૩૮૧ કરોડની આવક થઈ હતી. જ્યારે ડીઝલ પર વેરા પેટે રૂ.૧૮,૫૨૯ કરોડની આવક સરકારને થઈ છે. આમ પેટ્રોલ અને ડીઝલ પર સરકારને કુલ ૨૬૯૧૦ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
Recent Comments