ગુજસીટોક હેઠળ કાર્યવાહીની માંગ સાથે હિન્દુ યુવા સંગઠન ઉપવાસ પર ઉતર્યું
વેરાવળ અને સમગ્ર જીલ્લામાં ચોકકસ લોકો દ્રારા ગૌહત્યા અને ગૌ તસ્કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ ઉતરતા જ તંત્ર દોડતુ થયેલ અને થોડીવારમાં જ પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિત હિન્દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
વેરાવળમાં આજે સવારે નવ વાગ્યાથી રીંગરોડ પર આવેલ દુઃખ ભંજન હનુમાન મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ જતીનબાપુ ગૌવંશની હત્યા અને તસ્કરી કરતા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા.
આ તકે તેમના સમર્થનમાં સંગઠનના અનેક કાર્યકરો પર ઉપવાસમાં જાેડાયા હતા. આ અંગે સંગઠનના કાર્યકર શૈલેષ મેસવાણીયાએ જણાવેલ કે, વેરાવળ અને જિલ્લામાં ગૌવંશની હત્યા અને તસ્કરીના અસંખ્ય ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પૈકી અમુક ગુનાના આરોપીઓ પાસા તળે જેલમાં પણ ધકેલાય છે પરંતુ તેઓ પાસામાંથી પણ તાત્કાલીક છુટી જાય છે અને ફરી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહયા છે. સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંકુશમાં લેવા અમલમાં લવાયેલા નવા ગુજસીટોક કાયદા હેઠળ આવા આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અમારી સંગઠનની માંગણી છે. આ મુદ્દે સરકારમાં અનેકવાર લેખિત-મૌખિક રજુઆતો કરી હોવા છતાં નક્કર કાર્યવાહી ન થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Recent Comments