ગુરૂદ્વારા ચોકડી પાસે સ્કૂટર અને બાઈક સામસામા અથડાતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલક યુવાનનું મોત
જામનગર નજીક ગુરૂદ્વારા ચોકડી પાસે રાત્રીના એક સ્કૂટર અને બાઈક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલો યુવાન ઘાયલ થયો છે. ઉપરાંત સામેથી આવી રહેલા સ્કૂટરમાં બે ભાઈઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થતા બંનેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. જામનગરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતો નવાજ ઝાહિદભાઈ સોલંકી નામનો ૨૭ વર્ષનો યુવાન પોતાના મિત્રને બાઈકમાં બેસાડીને રાત્રે ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમ્યાન સામેથી આવી રહેલા સ્કૂટર સાથે ધડાકાભેર અથડાઇ પડતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નવાજને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત તેની પાછળ બેઠેલો એક યુવાન પણ ઇજાગ્રસ્ત બન્યો હતો, અને તેને પ્રાથમિક સારવાર અપાઇ છે. આ ઉપરાંત સામેથી આવી રહેલા એકટીવા સ્કૂટરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ કોળી અને તેનો ભાઈ જેઓ પણ ધડાકાભેર અથડાઈ ગયા પછી ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જે બંનેને પણ સૌ પ્રથમ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેઓની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.
Recent Comments