રાષ્ટ્રીય

ગુસ્સાવાળી પત્ની સાથે જીવન વિતાવવું ક્રૂરતા વેઠવા બરાબર : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હાલમાં જ એક કેસની સુનાવણી કરતા મનોરોગી ગુસ્સાવાળી પત્ની સાથે જીવન વિતાવવું આજીવન પીડા વેઠવા જેવું ગણાવ્યું હતું. જે બાદ દાખલ કરવામાં આવેલી છુટાછેડાની અરજી મંજૂર કરી હતી. કોર્ટે કહ્યું કે, પતિ તરફથી છુટાછેડાના કેસ માટે દાખલ કરવામાં આવેલી અરજીના તુરંત બાદ પત્નીએ દહેજને લઈને ફરિયાદ દાખલ કરી હતી, આવું કરવું એ તેનો સ્વભાવ દર્શાવે છે. અરજીમાં પતિએ જણાવ્યું છે કે, તે અમૃતસરનો રહેવાસી છે અને તેના લગ્ન ૨૦૧૧માં થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ તેની પત્નીનો ગુસ્સાવાળો સ્વભાવ સામે આવ્યો અને ત્યારથી પત્નીનો ગુસ્સો વધતો જ જાય છે. અરજીકર્તાએ જણાવ્યું છે કે, તેની દીકરીના જન્મ બાદ તો સ્થિતી ખૂબ જ ખરાબ થઈ ગઈ. પહેલા તેની પત્ની ઘરના કામ કરવાની ના પાડતી હતી. ધીમે ધીમે તે અરજીકર્તા અને તેના પર પરિવારના લોકોને જાહેરમાં થપ્પડ મારવી અને બેઈજ્જતી કરતી રહેતી.

પત્નીની આવી હરકતોથી તંગ આવીને જ્યારે અરજીકર્તાએ છુટાછેડા માટે અરજી કરી તો, પત્નીએ દહેજનો કેસ ઠોકી દીધો. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થયું અને ફરિયાદ રદ થઈ ગઈ. જાે કે, લગ્નના સમયે કે તેના પછી પતિના પક્ષ તરફથી કોઈ દહેજ માગવામાં આવ્યો નથી. જાે કે, સમાધાન થવા છતાં પણ તેની પત્નીનો સ્વભાવ બદલાયો નહીં અને સમયની સાથે તે વધારે ક્રૂર થતી ગઈ. એક દિવસ તેને કહ્યા વગર ઘર છોડીને પિયરમાં જતી રહી. જે બાદ અરજીકર્તાએ ફરીથી છુટાછેડા માટે અરજી કરી, જાે કે તેની પત્નીએ ફરી વાર દહેજનો ઠોકી દીધો. તો વળી બીજી તરફ પત્નીએ પતિના લગાવેલા આ તમામ આરોપને રદ કરતા કહ્યું કે, અરજીકર્તા તેને દહેજ માટે અપમાનિત કરતો રહે છે અને તે પિતાની સંપત્તિમાં પણ ભાગ માગવાનું પ્રેશર બનાવે છે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળી અને કહ્યું કે, બે ડોક્ટરનું માનવું છે કે, પત્નીનું આવું કરવું માનસિક બિમારી છે. જેની સારવાર તો છે, પણ તેને ઠીક કરી શકાતું નથી. તેની સાથે જ કોર્ટે કહ્યું કે, આવી મનોરોગી અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવું અરજીકર્તાને મજબૂર કરવા અને તેને જીવનભર પીડા આપવા બરાબર છે. જજે કહ્યું કે, પોતાના પતિ અને સાસરિયાવાળાને સૌની સામે બેઈજ્જત કરવા ક્રૂરતા છે. તો વળી છુટાછેડા માટે અરજી દાખલ કર્યાના તુરંત બાદ દહેજ માટે ફરિયાદ કરવી તે બેવડા ધોરણો દર્શાવે છે.

Related Posts