ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવશે, વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મુર્હૂત કરશે
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગાંધીનગરમાં વિવિધ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્તના કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ૨૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહાનગરપાલિકા, ગુડા અને માર્ગ- મકાન વિભાગના ૭૫૮ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં દરમિયાન અમિત શાહ પેથાપુર ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે. લોકસભા ચૂંટણી પૂર્વે આ કાર્યક્રમથી જ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થશે તેમ મનાય છે. અમિત શાહના કાર્યક્રમને લઇને જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત મહાનગરપાલિકા અને માર્ગ- મકાનના અધિકારીઓ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. નાગરિકોને બસોમાં સભા સ્થળ સુધી લાવવા ઉપરાંત લોકાર્પણ થનાર કામો પૂર્ણ કરવા સહિતની તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ ૨૭મી ફેબ્રુઆરીએ સૌપ્રથમ સેક્ટર-૨૧ લાયબ્રેરી ખાતે આવી પહોંચશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ઇ- લાયબ્રેરી, સ્ટાર્ટઅપ અને ફ્રીલાન્સીંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. તે પછી તેઓ પેથાપુર જશે જ્યાં જનમેદનીને સંબોધન કરશે.
અલગ અલગ કામોનું લોકાર્પણ કરાશે
૪.૧૩ કરોડના ખર્ચે બનેલા ૪ સ્કૂલના નવા મકાન
૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું ચ-૨ ખાતેનું ટ્રાફિક સર્કલ
સેક્ટર-૬માં ૭૩ લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાર્કિંગ
પાવરગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન
૧૧ કરોડના ખર્ચે સેક્ટરોના એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી
રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ૧૧.૮ કરોડના ખર્ચે લેન્ડસ્કેપીંગ અને બ્યુટીફિકેશન
રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ૩ કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સીંગ
રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર ૯ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન- લેન્ડ સ્કેપીંગ
રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે ૧.૨૫ કરોડના ખર્ચે બનાવાયેલો બગીચો
કુડાસણ અને વાવોલ વિસ્તારમાં ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી લાયબ્રેરી
૧૫ કરોડના ખર્ચે ચ- રોડ પર સેક્ટર-૨૧-૨૨ વચ્ચે અન્ડરપાસ અને ૧.૧૫ કરોડના ખર્ચે કોટેશ્વર ખાતે ગાર્ડનનું ખાત મુર્હૂત કરાશે.
Recent Comments