આદિજાતિના બાળકોને ઉત્તમોત્તમ વાતાવરણ અને શિક્ષણ પૂરી પાડી તેમને સમાજના અન્ય વર્ગોના બાળકો સામેની સ્પર્ધામાં સમાન તકો મળી રહે તે માટે પ્રાયોજના વહીવટદારની કચેરી, પંચમહાલ હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ આ સ્કૂલોની ઉજ્જવળ પરંપરાને આગળ વધારી રહી છે. ૨૦૦૭થી શરૂ થયેલી આ શાળામાં ધોરણ ૬ થી ૧૨ના કુલ ૧૦૯૮ આદિવાસી વિધાર્થીઓ અત્યારસુધી આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે. આજે કોઈક ડૉક્ટર તો કોઈક વિધાર્થી એન્જિનિયર બન્યા છે. તો સરકારી નોકરીઓમાં પણ આ વિધાર્થીઓએ કેડી કંડારી છે. ચાલુ વર્ષે કુલ ૩૮૬ આદિવાસી બાળકો પોતાના અને પરિવારના સપનાઓ પૂર્ણ કરવા આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના પ્રિન્સિપાલ ભદ્રેશ સુથાર જણાવે છે કે, શાળા છેલ્લા બાર વર્ષથી ધોરણ-૧૦ માં ૧૦૦ ટકા પરિણામ મેળવી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯થી શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની શરૂઆત થયા બાદ ૧૨-કોમર્સમાં ૧૦૦ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ૯૫ ટકા પરિણામ મેળવ્યું છે.
આ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ આજે એમ.બી.બી.એસ.,એંજીનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં પ્રવેશ મેળવીને ઉજ્જ્વળ ભવિષ્ય બનાવ્યુ છે. શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબોરેટરી, એક્ટીવીટી હોલ, પુસ્તકાલય, ઓડિટોરીયમ, સંગીત રૂમ સહિતની અદ્યતન આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો અભ્યાસમાં તો નિપુણ બને જ છે પરંતુ સાથે ખેલ-કૂદ અને કલાક્ષેત્રે પણ તેમની રસ-રૂચિ અનુસાર કૌશલ્ય કેળવે તે પ્રકારે શાળામાં પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. તેમજ આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, ગણવેશ તેમજ અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સોનલને અંગ્રેજી માધ્યમની સારી શાળામાં અભ્યાસ કરાવવાની તેના માતા-પિતાની ઈચ્છા આ શાળા મારફતે પૂર્ણ થઈ છે. શાળામાં વિદ્યાર્થીઓ સ્વાવલંબી,નિયમિત અને સ્વંયશિસ્તમાં રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ સાથે અહીં બાળકોના અભ્યાસ જેટલો જ સમય રમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓ પાછળ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓને બે ટાઇમ જમવાની સાથે બે ટાઇમ નાસ્તો ઉપરાંત બે ટાઇમ દૂધ અને ફળ પણ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોના બાળકોને અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાનો ઉત્તમ વિકલ્પ પૂરી પાડતી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ શિક્ષણક્ષેત્રે નવા માપદંડો ઉભા કરીને સરકારના આદિજાતી વિકાસની પરિસંકલ્પનાને પૂર્ણ કરી રહી છે.
Recent Comments