ગોધરામાં કોડિન સીરપનું બેફામ વેચાણ:લોકો નશા માટે ઉપયોગ કરે છે
દારૂ કરતાં કફ સીરપ સસ્તી મળતી હોવાથી સીરપનો ગેરકાયદેસર વેપાર વધ્યો હતો. ગોધરામાં કોડિન સીરપનો નશા તરીકે ઉપયોગ કરીને યુવાધનને બચાવવા પોલીસે અગાઉ શહેરમાં દરોડા પાડીને કફ સીરપની બોટલોનો મોટો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉ ગોધરાના ખાડી ફળિયા, મહા પ્રભુજી મંદિરની પાછળના મકાન, સિગ્નલ ફળિયામાં સીરપની બોટલો જપ્ત કરીને પોલોસે એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. કફ સીરપમાં કોડિન ફેક્સફેક નામનું કેમિકલ હોય છે. જે અફીણમાંથી બને છે. બજારમાં ૩૨થી પણ વધારે બ્રાન્ડની કફ સિરપ રૂ.૧૦થી ૧૦૦ સુધીમાં મળે છે. તેથી તે સસ્તો નશો કરવાનું સાધન છે. કફ સીરપની આખી બોટલ જ ગટગટાવી જાય છે. આવી દવા ક્યાંય પણ પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચાય તે ધ્યાન રાખવાની જવાબદારી ડ્રગ્સ વિભાગની હોય છે. ત્યારે ગોધરા શહેરમા કોડિન સીરપના નશાથી મુક્ત કરવા સોશિયલ મીડીયામાં મુહીમ ચાલી રહી છે. આ કફ સિરપ દવાની બોટલો ડુપ્લિકેટ વેચાઇ રહી હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. કફ સીરપનો નશો કરતાં લોકોને વિવિધ બીમારીઓ લાગુ થાય છે. હાર્ટ એટેક આવવાની શક્યાતા વધી જાય છે. વધુ માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. તેની ખતરનાક આડઅસર થાય છે. ઉબકા, ઉલટી, પેટનો દુખાવો, સુસ્તી, સ્લીપ ડિસઓર્ડર, કોમા, અનિયમિત હ્રદયના ધબકારા, માથાનો દુખાવો, બેચેની, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર, કબજિયાત, હાઇપોટેન્શન, ચક્કર આવવા, મૂંઝવણ થવી વગેરે અસર થઈ શકે છે તેમ તબીબ જણાવી રહ્યા છેગોધરા શહેરમાં યુવાનો નશો કરવા કફ સીરપની દવા તરફ વળ્યા છે. કફ સીરપનો ઉપયોગ ખાંસી જેવી બીમારીમાં કરવામાં આવે છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર તે દવાની દુકાનેથી આપી શકાતી નથી. કોડિન સીરપ એક સાથે વધુ માત્રામાં પીવાથી નશો ચડે છે. જેથી નશાખોરોએ દારૂ કે અન્ય નશીલા પદાર્થના વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ગોધરાના પશ્ચિમ વિસ્તાર સહિતના કેટલાક યુવાનો કફ સીરપ તથા બટન તરીકે ઓળખાતી અપ્રાઝોલમ નામની દવાનો ઉપયોગ કરીને નશાખોર બની રહ્યા છે. ઉંઘ માટેની અપ્રાઝોલમ નામની ગોળીઓની આદત થઇ જવાથી તેનો નશો ચઢવાથી યુવાનો તેના તરફ વળ્યા છે. કફ સીરપ અને ગોળીઓ લેનારાનું મગજ સુન્ન થઇને નશો ચઢતાં ગુનાખોરીમાં પણ વધારો થયો છે. અગાઉ ગોધરામાં બેફામ ગેરકાયદેસર વેચાણ થતી કોડિન સીરપનો જથ્થો પકડીને કાર્યવાહી કરી હતી. પરંતુ આ નશીલી દવાનો વેપલો ગોધરામાં પાછો ફુલ્યો ફાલ્યો છે.
Recent Comments