fbpx
અમરેલી

ગોપાલગ્રામનાં નિવૃત શિક્ષકે પ્રધાનમંત્રી મોદીને જન્મ દિને પાઠવ્યો પત્ર  શિક્ષક કેવો હોવો જોઈએ?

અમરેલી ગોપાલગ્રામનાં નિવૃત શિક્ષકે પ્રધાનમંત્રી મોદીને જન્મ દિને પાઠવ્યો પત્ર  શિક્ષક કેવો હોવો જોઈએ? ગોપાલગ્રામ પ્રાથમિક શાળામાં ૨૪ વર્ષ ફરજ બજાવી હજારો બાળ વિદ્યાર્થીઓને કેળવણીના પાઠ ભણાવનાર અને ૩૦ વર્ષથી નિવૃત જીવન જીવતાં મૂલ્યનિષ્ઠ શિક્ષક ચંપકભાઈ નારણભાઈ ધકાણે દેશનાં પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી સાથે શિક્ષણનું ખાનગીકરણ તેમજ મોટાભાગના શિક્ષકોની શિક્ષણ પરત્વે બેદરકારી જોઈ પત્ર દ્વારા હૈયા વરાળ ઠાલવી હતી.  તેઓએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે, શિક્ષક કેવો હોવો જોઈએ : “શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, શિક્ષક એટલે પ્રતિભા બીજની માવજત કરતાં માળી, શિક્ષક સગર્ભા માતા જેવો હોવો જોઈએ, તે ક્યારેય ખોટો ના હોય શકે.એન્જિનિયરની ભૂલ ઈમારતમાં ચણાઈ જાય છે, ડૉકટરની ભૂલ કબરમાં દફનાવાય જાય છે, વકીલની ભૂલ ફાઈલમાં બંધ થઈ જાય છે, તમામની ભૂલ માફ થઈ શકે પણ શિક્ષકની ભૂલથી આખી પેઢી ધોવાઈ જાય છે.

 શિક્ષકોને સમય પાલન કેટલું જરૂરી છે તે જણાવતાં શિક્ષકે પુરો સમય શિક્ષણને ફાળવવો જોઈએ, સાચો શિક્ષક એક વર્ષમાં એક મહિનો કપાત પગાર રજા લે છે અને શાળાએ ભણાવવા આવે છે, તેનાં કારણો ક્યારેક શાળાએ આવવાનું બે-પાંચ મિનિટ મોડું થાય, ક્યારેક રિસેસમાંથી પણ વર્ગમાં જવાનું મોડું થાય, ક્યારેક કોઈ સગા-સંબંધી શાળાએ મળવા આવે અને સમય બગાડે, ગામમાં કોઈનું અવસાન થયું હોય ત્યાં વહેવાર કરવા જવાનું થાય, ઘરનાં સભ્ય કોઈ એકાએક બિમાર પડે તો તેની સારવાર કરવા જવાનું થાય એની પણ ગણતરી કરી હતી, બસ એટલું જ.”  દેશનાં પ્રધાનમંત્રી મોદીજીને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવતા એ પણ જણાવ્યું હતું કે, આજરોજ તા.૧૭ સપ્ટેમ્બર તેમનાં ધર્મપત્ની પુષ્પાબેન ધકાણનો પણ જન્મ દિવસ હોય, બેવડાં આનંદની લાગણી અનુભવે છે. તેમનાં ભણાવેલા વિદ્યાર્થીઓ હાલ મોટામાંમોટા સીતેર વર્ષની વયનાં હયાત છે અને તેમાંથી ઘણાં મોટી નોકરી પર અને ઘણાં રાજકારણમાં સક્રિય છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સંતાનો પણ ઉચ્ચ હોદ્દાઓ ઉપર છે. ચંપક સાહેબ નામથી પ્રખ્યાત જુની પેઢીના માસ્તર ઈન્ટરનેટનો ઉપયોગ યોગ્ય રીતે જાણતાં ના હોય, પોતાનાં વિદ્યાર્થી-પડોશી વિપુલ ભટ્ટી મારફત ઈમેલ કરાવી પ્રધાનમંત્રી, ગુજરાતનાં મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને જાગૃત સેવા નિવૃત્ત રાજ્ય સેવક તરીકે પોતાની લાગણી પહોચાડી હતી.

Follow Me:

Related Posts