ગુજરાત

‘ગોરી તમે મનડા લીધા મોહી..!’- શહેરામાં રાજલ બારોટે હાથમાં ડમરું લઈને ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ ડોલી ઉઠ્યા, જુઓ તસવીરો

Navratri 2024: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવના એક પછી એક નોરતા પૂરા થઈને આજે છેલ્લું નોરતુ છે, ત્યારે ખેલૈયાઓનો થનગનાટ પણ સાતમા આસમાને પહોંચ્યો છે. એવામાં ગુજરાતી ગાયક કલાકારો પણ અલગ-અલગ પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં ધમાકેદાર પર્ફોમન્સ કરીને રમઝટ બોલાવી રહ્યા છે.એવામાં સ્વર્ગસ્થ ગુજરાતી લોકકલાકાર મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ પણ નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ઠેકાણે પર્ફોમન્સ આપી રહ્યા છે. આઠમના નોરતે શહેરા તાલુકાના ચાંદણગઢ સ્થિત ખોડિયાર માતાના મંદિરમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં રાજલ બારોટના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં રાજલ બારોટ હાથમાં ડમરું લઈને જોવા મળી રહી છે. જ્યારે આજે નવમા નોરતે રાજલ બારોટનો અમદાવાદના બાપુનગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે સાતમના નોરતે રાજલ બારોટે સાબરકાંઠાના હિંમતનગર સ્થિત પોલીસ લાઈનમાં આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા.નવરાત્રિ દરમિયાન રાજલ બારોટે અમદાવાદના નિકોલ, નવા વાડજ, મહેસાણાના ONGC ગ્રાઉન્ડમાં પણ ગરબાના કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.

Related Posts