ગ્રામજનો દ્વારા રસ્તા અને જાહેર સ્થાનો પર સફાઈ નિયમિત સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા આહ્વાન
તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં શરુ થેયલ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. અમરેલી જિલ્લાનાવિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રપિતા પૂ.ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભાનું આયોજન થયું હતું.ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ સાથે રાષ્ટ્રપિતા પૂ.ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.લાઠી તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ સાફ-સફાઈ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગ અને જાહેર સ્થળ સહિતની સફાઈ કરવામાં આવી હતી. નિયમિત રીતે સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે નાગરિકોને આહ્વાન કરવામાં આવ્યુ હતુ. પ્લાસ્ટિક ઉપયોગ કરનાર વિરુદ્ધ થતી કાર્યવાહીઓથી નાગરિકોને જ્ઞાત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય હેઠળ નિર્માણ થયેલ સામૂહિક કમ્પોસપીટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તેમ જ મનરેગા કન્વર્ઝન અંતર્ગત વ્યક્તિગત કમ્પોસપીટ અને શોકપીટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ગ્રામજનોને સૂકા અને ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ વિષયક સમજ આપવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધા, નાટકની પ્રસ્તુતિ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ છે. સમગ્ર અમરેલી જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Recent Comments