ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે શ્રી કૃષ્ણકુમારસિંહજી વાંચનાલય લોકાર્પણ સાથે વ્યાખ્યાન આપતા રઘુવીર ચૌધરી
આંબલામાં શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે કર્મયોગી પરિવાર પ્રેરિત શ્રી કૃષ્ણકુમારસિંહજી પુસ્તકાલયનું લોકાર્પણ અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું. અધ્યક્ષસ્થાને રહેલા સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીએ વ્યાખ્યાન આપતા કહ્યું કે, આપણાં ધર્મગ્રંથોમાંથી જીવન પ્રેરક સાહિત્ય પ્રાપ્ત થઈ શકે છે, જેનું અધ્યયન વાચન અનિવાર્ય હોવું જોઈએ.
માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી સંસ્થા સુરતના ‘૨૦૮ સરસ્વતીધામ’ અભિયાન તળે અહીંયા પીડીલાઈટ ઉદ્યોગના સહયોગથી આ સુવિધાયુક્ત પુસ્તકાલયનું નિર્માણ થયું છે.
આ પુસ્તકાલય લોકાર્પણ કરતાં સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીએ ‘જીવન અને વાચન’ વ્યાખ્યાન આપતાં કહ્યું કે, આપણાં ભગવદ્દ ગીતા, રામચરિત માનસ, વાલ્મિકી રામાયણ ઉપરાંત મહાભારત તેમજ શ્રીમદ્દ ભાગવત વગેરે ધર્મગ્રંથોમાંથી જીવન પ્રેરક સાહિત્ય પ્રાપ્ત થઈ શકે છે, જેનું અધ્યયન વાચન અનિવાર્ય હોવું જોઈએ. વિનોબાજીના સ્મરણ સાથે ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતીના સ્થાપક મહાનુભાવો શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ તથા શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા સાહિત્ય સાથે શિક્ષણ અને ગ્રામ સંસ્કૃતિના ઉલ્લેખ સાથે અહીંના દાતા અગ્રણી શ્રી કેશુભાઈ ગોટી સને સહયોગીઓની પ્રવૃત્તિને બિરદાવી.
સહયોગી દાતા રહેલ પીડીલાઈટ ઉદ્યોગના શ્રી પંકજભાઈ શુક્લએ ઉદ્યોગપતિ દાતા શ્રી બળવંતભાઈ પારેખની જન્મજયંતિ પ્રસંગે શરૂ રહેલા સામાજિક કામો સાથે મૂલ્ય શિક્ષણ અંગે ઉલ્લેખ કરી આ પ્રસંગની ખુશી વ્યક્ત કરી.
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થામાં ખૂટતી સુવિધાઓમાં દાતાઓના મળેલા ઉદાર સહયોગ અંગે શ્રી અરુણભાઈ દવેએ હરખ વ્યક્ત કરી કર્મયોગી પરિવારની વિનોબભાવેના વિચારોથી થઈ રહેલી પ્રવૃત્તિને મૂલ્યવાન ગણાવી.
આ પ્રસંગે વાંકિયા હનુમાનજી જગ્યાના શ્રી રવુબાપુની આશિષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં શ્રી નાગજીભાઈ માણિયા, શ્રી હિતેષભાઈ હિરપરા તથા શ્રી પરેશભાઈ ડોડિયાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
ગ્રામદક્ષિણામૂર્તિ પરિવારના અગ્રણીઓ શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી લાલજીભાઈ નાકરાણી, શ્રી રાજુભાઈ વાળા વગેરેના સંકલન સાથેના આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી વાઘજીભાઈ કરમટિયાએ કરી હતી. સંચાલન શ્રી મૂકેશભાઈ મહેતાએ સંભાળ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીતગાન રજૂ થયેલ.
લોકશાળાના આ પ્રસંગમાં સાહિત્યકાર શ્રી રમેશ દવે, લોકભારતીના શ્રી રામચંદ્રભાઈ પંચોળી તથા શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી નાનુભાઈ શિરોયા, શ્રી નીતિનભાઈ પંચોળી, શ્રી ફાઝલભાઈ ચૌહાણ સહિત જિલ્લાના શિક્ષણક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Recent Comments