વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા મહેશ એસ આહીર તેમના વાહન નંબર જીજે-૧૫એટી-૬૩૯૪ માટે એચ. ડી. એફ. સી. ઓર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી વાહનનો વીમો લીધો હતો. આ વિમાના સમયગાળા દરમિયાન ફરિયાદીનું વાહન ૧૮ મે ૨૦૧૯ થી ૨૦ મે ૨૦૧૯ ના સમય દરમિયાન સરદાર ચોક જીઆઇડીસી વાપી પાસેથી આ વાહન ચોરાઈ ગયું હતું. જે બાબતે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક વાહન ચોરી થવા બાબતે અરજી આપવામાં આવી હતી અને પાછળથી ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફરિયાદી તરફથી વાહન ચોરી બાબતેની વીમા કંપનીના કસ્ટમર કેર ઉપર તાત્કાલિક જાણ કરી કલેમ કરવામાં આવ્યો હતો. આ ક્લેમ વીમા કંપની તરફથી ૧૮ નવેમ્બર ૨૦૧૯ ના પત્રથી વાહનની ચાવી બાબતેની ખોટી રજૂઆત કરેલાનું કારણ જણાવી, ક્લેમ ખોટી રીતે નામંજૂર કરતા ફરિયાદીએ વીમા કંપનીને પત્ર તથા વકીલ મારફત નોટિસ પણ મોકલી હતી.
વીમા કંપનીએ તેનો જવાબ ન આપતા ફરિયાદીએ નામદાર ગ્રાહક સુરક્ષા કમિશન વલસાડ સમક્ષ એડવોકેટ અપૂર્વ નવનીતરાય દેસાઈ મારફતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના એડવોકેટ અપૂર્વ નવનીત રાય દેસાઈની દલીલોને મંજૂર રાખતા નામદાર ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખ બી જી. દવે તથા સભ્ય વિક્રમ બી વકીલ અને વી બી વર્મા તરફથી ફરિયાદીને રકમ ૧૭.૨૪ લાખ ૫ માર્ચ ૨૦૨૦ થી ૭% વ્યાજ સાથે ચૂકવવાનું તથા શારીરિક માનસિક ત્રાસ તેમજ ફરિયાદ ખર્ચના રૂપિયા ૨૫૦૦ અલગથી ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Recent Comments