ઘરધણી કાઠીને અસાધ્ય રોગ થતાં આવક પણ બંધ થઈને ઘર પણ ઘસાઈ ગયું કાઠી દરબારની દિકરીએ પેટે પાટા બાંધીને દિકરાને એડવોકેટ બનાવ્યો રંગ છે તેમની હિંમત અને ધીરજને
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/IMG-20230413-WA0003-1140x620.jpg)
મૂળ જાફરાબાદનાં ઘેસપુર ગામનાં વતની અને બેકારી ભરડો લઈ ગયેલી એટલે આખો પરિવાર જેમાં પતિ, પત્નિ, બે દીકરા અને એક દીકરી સાવરકુંડલા આવ્યા.
બાવકુભાઈ વરુ સાવરકુંડલામાં નાના મોટા કામ રાખી માંડ માંડ પરિવારનું પોષણ કરતા. આ વરુ પરિવારની કઠણાઈ ચાલું થઈ, બાવકુભાઇને હિસ્ટીરિયા- વાઇનો અસાધ્ય રોગ લાગુ પડ્યો. હવે બહાર કામે જાય તો ગમે ત્યાં પડી જાય અને નાની મોટી ઈજાઓ થતી હતી. એક દિવસ કામે જાય તો દસ દિવસ આરામ કરવો પડે. આવી સ્થિતિમાં પરિવારનું ભરણ પોષણ સંકટમાં આવી ગ્યું. પણ કાઠિયાણી બેન જેમનું નામ, ધન કુંવરબા પણ ધનનાં ફાંફાં પડી ગયા.
બાવકુભાઈની તબીબી સારવારમાં આજીવિકા સમાન જમીન પણ વેંચાઈ ગઇ. આખા પરિવારનું પોષણ કરવા, પોતે કાઠી દરબારની દીકરી હોવા છતા લાજ શરમ પટારામાં પૂરી દઈ, ખેડૂતોનાં ખેતરમાં દાડીએ ખેત મજૂરી કરવા લાગ્યાં. બાળકો તો હજી નાના હતાં. મોટો દીકરો કનું ધો ૯ માં અભ્યાસ કરતા કરતાં અર્ધો દિવસ અને આખી નાઈટ ખાનગી દવાખાનામા નોકરી કરવા લાગ્યો. કુદરતે હજી કસોટી કરવી હશે એટલે બાવકુભાઈને મગજની અસ્થિરતા આવી ગઈ. ને અંતે અવસાન પામ્યા. હવે માતા અને મોટા દીકરા કનુ ઉપર તમામ જવાબદારી આવી ગઇ. નાનોભાઈ અને નાની બેનને પણ સાચવવા પડે. પણ ધનકુંવરબેન મોટા દીકરાને કહેતા કે તારે તો ગમે તેમ કરીને ભણવાનું જ છે. પોતે ખેત મજૂરી કરી, જે આવે તેમાંથી ગુજરાન ચલાવતા. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે આખું કુટુંબ ફકત એક જ ટાઈમ ભોજન લેવા લાગ્યું. હવે કનુએ રવિવારની રજાનો ઉપયોગ હીરા ઘસવા માટે કર્યો. ધીમે ધીમે હીરાનો પાક્કો કારીગર બની ગયો. ભણતર છૂટી ગયું. માતા પણ દિવસે ખેત મજૂરી કરે ને રાત્રે ઘેર બેઠા ભરત ગૂંથણ સિલાઈ કામ કરે. એવામાં દીકરી પરણાવવા લાયક બની ગઈ હતી એટલે માતા અને મોટાભાઈની ઊંઘ હરામ થઈ ગઈ.
કનુએ હીરાની કમાણીમાંથી બેનનો લગ્ન પ્રસંગ ખૂબ ધામધૂમથી કર્યો. નાનો ભાઈ કસુભાઇ તો બેજવાબદાર ઘેર રહે જ નહીં. હજી આજની તારીખે પણ બહાર ભટક્યા કરે છે એટલે એની તરફથી તો સાથ સહકાર નહિ.
ધન કુંવરબેનને મનમાં એક ખટકો કે, કનુ ભણશે નહિ તો કુટુંબનો ઉદ્ધાર થશે નહિ. માટે કનુને ફરીથી અભ્યાસ શરૂ કરવા સમજાવ્યો અને કનુએ પણ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા જાણે કમરકસી અને તેમાં સાથ મળ્યો કનુ વરુ નાં નાનાબેન પ્રસનનબા નો જે પોતે મોતિકામ કરી જે આવક થાય તે આ પરિવારને આપી મદદરૂપ થતાં. બીજો સાથ સહકાર મળ્યો સનરાઈઝ સ્કૂલના સાહેબ પ્રતાપભાઇ ખુમાણ તરફથી તેમણે ત્યાં જેટલો સમય ભણ્યા પણ એકપણ રૂપિયો ફી લીધી નથી ઉપરાંત પોતાનાં તરફથી યુનિફોર્મ, બુટ, મોજા, સ્વાધ્યાય પોથી, પાઠ્ય પુસ્તકો તદ્દન ફ્રી આપતા, કોલેજમાં અભ્યાસ કરતી વખતે ફી ભરવાનાં પૈસા નહતા ત્યારે મા દીકરાએ બાવળની કાંટ કાપવા રાખી. કુંવાડાથી બાવળની મોટી કાંટ કાપવા ને કારણે હાથમાં ફરફોલા પડી ગયા હતા.પણ તેનું સુખદ પરિણામે,આજે કનુ બવકુભાઈ બીકોમ. એલએલબી. થઈ વકીલાત કરવા લાગ્યા. હવે ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવવા લાગી. ઘરનું ગુજરાન ચાલવા લાગ્યુ. કનુભાઈને બે બાળકો, એક દીકરી શિવાંગી અને એક દીકરો મહાવીર જે સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરે છે, બાપુ સર આ બન્ને બાળકોની કોઈપણ પ્રકારની ફી લેતા નથી. હાલ માતા ધનકુંવર બેન, કનુભાઈ તેમનાં પત્ની ઇલાબેન, અને બે બાળકો સાથે આખો પરિવાર કિલકિલાટ કરી રહ્યો છે. અને હવે કનુભાઈ સામાન્ય અને કોઈપણ જ્ઞાતિ કે ધર્મનાં લોકોને સરકારી સહાયની તમામ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચે તે માટે જરુરિયાત મંદ લોકોને ખૂબ મદદરૂપ થાય છે. આમ એક કાઠી દરબારની દીકરીએ પેટે પાટા બાંધીને આખા પરિવારને ઉગારી લીધુ અને એક દીકરાને એડવોકેટ બનાવ્યો. ધન્ય છે આ માતા અને ભાગ્યશાળી છે એ દીકરો જેને માતાનાં દીધેલા ભોગથી નવજીવન પ્રાપ્ત થયું.
આ કાઠી ક્ષત્રિય દરબાર પરિવાર હજી પણ પતરાવાળી ઓરડીમાં રહે છે, કોઈને પણ આ બાબતે મદદરૂપ થવું હોય તો.. કનુ બાવકુભાઈ વરુ, ભૂવા રોડ, માધવાણીની વાડી, સાવરકુંડલા. મો.૯૬૬૨૦૮૪૨૨૦
Recent Comments