ઘરે આવેલા મહેમાનોને ખવડાવો ‘મગની દાળનો હલવો’, નોંધી લો તમે પણ રેસિપી
મગની દાળનો હલવો ખાવાની બહુ જ મજા આવે છે. જ્યારે તમારા ઘરે કોઇ મહેમાન આવવાનું હોય ત્યારે તમે મગની દાળનો શીરો બનાવો છો તો મહેમાન તમારા વખાણ કરવા લાગશે અને તમે ખુશ-ખુશ થઇ જશો. તો જલદી-જલદી નોંધી લો તમે પણ આ રેસિપી..
સામગ્રી
- 4 થી 5 કલાક મગની દાળને પાણીમાં પલાળી રાખો
- 2 મોટા ચમચા દેશી ઘી
- 1 મોટો ચમચો સોજી
- 1 મોટી ચમચી ચણાનો લોટ
ખાંડની ચાસણી માટે
- 1 કપ પાણી
- 1 કપ ખાંડ
- ચપટી કેસર
- એલચી પાવડર
બનાવવાની રીત
- સૌથી પહેલા મગની દાળને પાણીમાંથી કાઢીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
- હવે એક કઢાઈમાં ઘી નાખીને એમાં સોજી અને બેસન નાખો.
- સોજી અને બેસન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકવા દો.
- હવે એમાં ક્રશ કરેલી મગની દાળ નાખો અને સતત હલાવતા રહો.
- મગની દાળ ત્યાં સુધી શેકો જ્યાં સુધી એ બ્રાઉન રંગની થાય.
ચાસણી બનાવવા માટે
- ચાસણી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી લો.
- હવે આ પાણીમાં ખાંડ નાખો અને તેને ઉકાળો.
- ત્યારબાદ એમાં કેસર અને એલચી પાવડર નાંખીને ચાસણીને બરાબર ઉકળવા દો.
- હવે ચાસણીને મગની દાળમાં મિક્સ કરો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે મિશ્રણને બરાબર ચઢવા દો.
- મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરો.
- તો તૈયાર છે મગની દાળનો હલવો.
- તમારા ઘરમાં ગળપણ વધારે ખાતા હોય તો તમે ચાસણીમાં થોડી ખાંડ વધારે એડ કરી શકો છો.
- મગની દાળનો હલવો તમે તમારા બાળકોને ખવડાવો છો તો એને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે.
Recent Comments