ચાર મિત્રએ યુવકની હત્યા કરી હતી, આ અંગે કોર્ટે ચારેયને હત્યા કેસમાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી
ઉમરેઠના ભરોડા ગામમાં બે વર્ષ પહેલા જુગાર રમવા બેઠેલા મિત્રો વચ્ચે રૂ.૧૦૦ની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. જેમાં ચાર મિત્રએ ગળુ દબાવી યુવકની હત્યા કરી હતી. આ અંગે કોર્ટે ચારેય મિત્રને હત્યા કેસમાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ઉમરેઠના ભરોડા ગામની પ્રાથમિક શાળાની પાછળના ભાગે આવેલા મધ્યાહન ભોજનની ઓરડીની બાજુમાં ૨૬મી ઓગષ્ટ,૨૦૨૦ના રાત્રે કેટલાક મિત્રો જુગાર રમવા બેઠાં હતાં. આ જુગાર રમતાં સમયે કિરીટ શના ભોઇ પાસે શ્રવણકુમાર મનુભાઈ ભોઇએ રૂ.૧૦૦ની માગણી કરી હતી. આથી, કિરીટે નાણા પછીથી આપું છું.
તેમ કહેતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં કિરીટે ઉશ્કેરાઇ શ્રવણનું ગળુ દબાવી દીધું હતું. આ ઉપરાંત અન્ય મિત્રો શૈલેષ ઉર્ફે ચેટીએ શ્રવણનો હાથ પકડી રાખ્યો હતો. જય ઉર્ફે જલાએ બીજાે હાથ પકડ્યો હતો. જ્યારે પ્રતિકે પગ પકડ્યાં હતાં. આમ ફિલ્મી ઢબે ચારેય મિત્રોએ ભેગા થઇ શ્રવણનું ગળું પકડી નીચે પ્લાસ્ટરની પડઘીમાં બે વખત પછાડી ઢસડી હત્યા કરી હતી.
બાદમાં લાશ ત્યાં જ મુકી ભાગી ગયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં કિરિટ શના ભોઇ, શૈલેષ ઉર્ફે ચેટી નટુ સોલંકી, જય ઉર્ફે જલો હર્ષદ ભોઇ, પ્રતિક ઉર્ફે શંભુ રમેશ ભોઇ (રહે. તમામ ભરોડા)ની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ જે.એસ. ગઢવીની દલીલો, પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી કોર્ટે ચારેયને હત્યાન કલમ હેઠળ આરોપી જાહેર કર્યાં હતાં અને ચારેયને આજીવન કેદની સજા ફટકારી હતી.
Recent Comments