સૌરાષ્ટ - કચ્છ

ચાર શખ્સે તરુણીને કપડા મુદ્દે ધમકાવ્યા બાદ પિતા-કાકા પર ખૂની હુમલો

શહેરમાં સામાન્ય બાબતોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરવાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવમાં મવડી વિસ્તારમાં રહેતા ચાર શખ્સે તરુણીને પહેરેલા કપડાંના મુદ્દે ધમકાવ્યા બાદ ચારેય શખ્સને સમજાવવા ગયેલા તરુણીના પિતા અને કાકા પર ખૂની હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. હુમલામાં ઘનશ્યામભાઇ જાદવ અને તેના ભાઇ દિનેશભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે ચાર પૈકી એક તરુણ આરોપીને સકંજામાં લીધો છે.
મવડી ચોકડી પાસે ઉદયનગર-૨માં રહેતા ઘનશ્યામભાઇ બાબુભાઇ જાદવે પાડોશમાં જ રહેતા વિશાલ મનીષ સનડા, રાજવીર પરમાર, તુષાર રમેશ જેઠવા અને તેજશ વિરમ ઉર્ફે કનુ તરવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. વિશાલ, રાજવીર, તુષાર, તેજશ રોડ પર બેઠા હતા. તે સમયે ચારેયે આવા કપડાં પહેરીને શેરીમાં નીકળવાનું નહીં તેમ કહી ધમકાવી હોવાની વાત કરી હતી. જેથી પોતે ઘરમાંથી બહાર નીકળતા ચારેય શખ્સ ત્યાં બેઠેલા હોવાથી તેમને સમજાવવા ત્યાં ગયા હતા.
ત્યાં પહોંચી ચારેયને મારી દીકરીને કેવા કપડાં પહેરવા તે તમારે શીખવવાની જરૂર નથી તેવું કહેતા જ ચારેય ઉશ્કેરાય જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે નાનો ભાઇ દિનેશભાઇ છોડાવવા દોડી આવતા તેને પણ માર માર્યો હતો. ત્યાર બાદ તુષાર અને તેજશે પોતાને પકડી રાખી આજે તો તારું પૂરું જ કરી નાખવું છે. તેમ કહેતા રાજવીરે તેના નેફામાંથી છરી કાઢી પોતાને બંને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા પોતે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યો હતો.
પોલીસે ચાર પૈકી એક તરુણને દબોચી લઇ અન્યને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts