આગામી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતેથી ૨૬ ફેબ્રુઆરીના રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવનાર છે. આ મેળામાં અમરેલી જિલ્લાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવનાર છે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસશીલ કાર્યો પહોંચ્યા છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમરેલી તાલુકાના ચિતલ ગામના લાભાર્થી શ્રી રાજેશભાઈ દાવડા જણાવે છે કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મારું ઘર અતિ બિસ્માર હાલતમાં હતું અને ચોમાસામાં થોડું ઘણું પાણી ઉપરથી પડતું અને આખા ઘરમાં ભેજ રહેતો અને એના લીધે મારા ઘરમાં વારંવાર બીમાર પડતા હતા પરંતુ એક દિવસ ગ્રામ પંચાયતમાં સ્થાનિક તંત્રને મારી વ્યથા જણાવતા તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંગેની માહિતી આપી હતી. આ યોજનાનું તાત્કાલિક અરજી ફોર્મ તૈયાર કરાવ્યું અને તાલુકામાં મોકલ્યું અને કોમ્પ્યુટર પર નોંધણી કરી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મારું ઘર જોવા માટે વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક આવ્યા અને ત્યાર પછી તેઓએ મારી ઘરની સ્થિતીનો ફોટો પાડી (જીઓ ટેગિંગ) કરી મારૂ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારૂ ઘર મંજુર કરવા તાલુકામાં દરખાસ્ત કરી અને ઘર મંજુર થતા જ ૩૦ હજારનો પહેલો હપ્તો મારા ખાતામાં જમા થયો જેથી મેં બાંધકામની શરૂઆત કરી. સીલ લેવલ સુધી બાંધકામ પૂર્ણ થતા ૫૦ હજારનો બીજો હપ્તો અને આવાસ સંપૂર્ણ પૂર્ણ થતા ૪૦ હજારનો ત્રીજો હપ્તો થયો અને તબ્બકાવાર મારા બેંક ખાતામાં જમા થયા. આ ઉપરાંત મનરેગા હેઠળ અન્ય ૨૦ હજારની સહાય મળતા કુલ રૂપિયા ૧.૪૦ લાખ મંજુર થયા અને દરેક તબ્બકાવાર મને તાલુકાના એન્જીનીયરના માર્ગદર્શન તથા તેમની દેખરેખ હેઠળ અમે રહેવા લાયક પાક્કું મકાન બનાવ્યું, હાલ મારા કુટુંબના સભ્યો સાથે સુખીથી રહું છુ અને મને મારા પોતાના પાકા ઘરનું સપનું હતું તે સાકાર થયું જે બદલ રાજ્ય સરકારનો ખુબ ખુબ ઋણી અને આભારી છું.
ઉલ્લેખનીય છે કે અમરેલી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવનાર છે.
Recent Comments