ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર વિભાગના કર્મચારીઓને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આગથી ગંભીર રીતે પ્રભાવિત ઘણા શહેરોમાં વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો છે. આગ સૌથી વધુ તીવ્રતાથી વિના ડેલ માર શહેરની આસપાસ સળગી રહી છે,
જ્યાં ૧૯૩૧માં સ્થાપિત એક પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન રવિવારે આગની જ્વાળાઓમાં નાશ થઈ ગયો હતો. આગના કારણે ઓછામાં ઓછા ૧,૬૦૦ લોકો બેઘર બની ગયા છે. વિના ડેલ મારના પૂર્વ વિસ્તારમાં ઘણા વિસ્તારો જ્વાળાઓ અને ધુમાડાથી ઘેરાયેલા છે, કેટલાક લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિના ડેલ માર અને તેની આસપાસના ઘણા વિસ્તારોની અંદર લગભગ ૨૦૦ લોકો ગુમ થયાનો રિપોર્ટ મળ્યો છે. લગભગ ત્રીસ લાખની વસ્તી ધરાવતું વિના ડેલ માર શહેર એક લોકપ્રિય બીચ રિસોર્ટ છે અને દક્ષિણ ગોળાર્ધના ઉનાળા દરમિયાન પ્રખ્યાત સંગીત ઉત્સવનું આયોજન કરે છે.
રાષ્ટ્રને સંબોધતા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે જણાવ્યું હતું કે આગથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે, કારણ કે વાલપારાઈસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો આ જાેખમવાળા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બોરીકે ચિલીના લોકોને બચાવ કાર્યકરોને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જાે તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે તો આમ કરવામાં અચકાવું નહીં. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન વધી રહ્યું છે અને પવન જાેરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે. ચિલીના ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ શનિવારે જણાવ્યું હતું કે,
દેશના મધ્ય અને દક્ષિણમાં ૯૨ જંગલોમાં આગ લાગી છે, જ્યાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે વધારે રહ્યું હતું. વાલપરાઈસો વિસ્તારમાં લાગેલી ભીષણ આગને કારણે સત્તાવાળાઓએ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળોએ જવા વિનંતી કરી હતી. વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રય શિબિર બનાવવામાં આવી છે. તોહાએ કહ્યું કે, બચાવ ટીમો હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. તોહાએ કહ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે આ વિસ્તારમાં ૧૯ હેલિકોપ્ટર અને ૪૫૦થી વધુ ફાયર કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
Recent Comments