fbpx
રાષ્ટ્રીય

ચીનની નવી પોલિસી ગેમિંગ માર્કેટ માટે મોટા ઝટકા સમાન

ચીનની નવી પોલિસી ગેમિંગ માર્કેટ માટે મોટા ઝટકા સમાન છે. ચીનમાં લાખો યુવાનો ઓનલાઈન ગેમ્સ રમે છે અને ગેમ ડેવલપર્સ માટે ચીન અત્યંત મહત્ત્વનું બજાર છે. ચીનના ઓડિયો-વીડિયો અને ડિજિટલ પબ્લિશિંગ એસોસિયેશનના મતે, આ વર્ષે પહેલા ત્રિમાસિકમાં ઉદ્યોગે રૂ. ૧.૪૬ લાખ કરોડની કમાણી કરી છે. પરંતુ સરકારની કડકાઈ પછી કંપનીઓએ વ્યૂહનીતિ બદલી છે. ગેમિંગ માટે આઈડીથી રજિસ્ટ્રેશન જરૂરી છે, જેથી કોઈ ખોટી ઉંમર જણાવી ના શકે. બીજી તરફ, અલીબાબા ગ્રૂપ અને ટેસેન્ટ જેવી કંપનીઓ પર સરકાર અગાઉથી જ ગાળિયો મજબૂત કરી ચૂકી છે. બાળકોમાં ગેમિંગના વધતા વ્યસન અને તેના દુષ્પ્રભાવોને ધ્યાનમાં રાખીને ચીને ઓનલાઈન ગેમિંગના નિયમો કડક કરવાનો ર્નિણય કર્યો છે. નવા નિયમો હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સપ્તાહમાં ત્રણ કલાકથી વધુ ઓનલાઈન ગેમ રમવાની મંજૂરી નહીં હોય. સ્કૂલ ચાલુ હશે ત્યારે ઓનલાઈન ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત વીકેન્ડ અને રજાના દિવસોમાં પણ તેઓ એક કલાકથી વધુ સમય ગેમ નહીં રમી શકે.

ચીન સરકારે સોમવારે તેને લઈને નિયમો પણ જાહેર કરી દીધા છે. ચીનના નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન ટ્રસ્ટના મતે, જૂના નિયમો પ્રમાણે સામાન્ય દિવસોમાં દોઢ કલાક અને વીક-એન્ડના ત્રણેક દિવસ ત્રણ કલાક સુધી ઓનલાઈન ગેમિંગની છૂટ હતી. જાેકે, માતા-પિતાની ફરિયાદો પ્રમાણે આ ખૂબ ઉદાર નિયમો છે. વળી, તે કડકાઈથી લાગુ પણ નહોતા થતા. હવે નવા નિયમો ફક્ત શુક્રવાર, શનિવાર અને રવિવારે રાત્રે ૮થી ૯ વાગ્યા સુધી રમવાની મંજૂરી જ આપે છે. ચીન સરકાર તેનું દેખરેખ તંત્ર પણ મજબૂત બનાવી રહી છે, જેથી સુનિશ્ચિત થઈ શકે કે ગેમિંગ કંપનીઓ આ પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કરી રહી છે કે નહીં. આ મુદ્દે થયેલા ઓનલાઈન સવાલ-જવાબમાં અનેક વાલીઓએ કહ્યું હતું કે, ગેમિંગના વ્યસનથી બાળકોનો અભ્યાસ, જીવનની સાથે સાથે માનસિક-શારીરિક આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે. તેથી તેમની માગ હતી કે, ગેમિંગ પર પ્રતિબંધ મૂકાય અથવા તો તેનો સમય ઘટાડાય. શેનઝેનમાં એક કંપનીમાં કર્મચારી લિલી ફેંગ કહે છે કે, કેટલાક બાળકો માતા-પિતાનું નથી સાંભળતા. આ સ્થિતિમાં નવી પોલિસી મદદરૂપ થઈ શકે. સારું લાગ્યું કે, સરકાર બાળકોનું ભલું કરવા કડક પગલાં લઈ રહી છે. બેજિંગ ચિલ્ડ્રન લીગલ એડ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જારી રિપોર્ટમાં કહેવાયું છે કે, અમને ફરિયાદ મળતી હતી કે, બાળકો ગેમિંગનો સમય વધારવા નવી નવી પદ્ધતિઓ શોધતા હતા. માતા-પિતાની ફરિયાદો હતી કે, ગેમિંગના વ્યસનથી તેમના બાળકોમાં સ્વભાવ, વ્યક્તિત્વમાં ઘણાં નકારાત્મક પરિવર્તન આવતા. એટલે સરકાર પર કડક વલણ અખત્યાર કરવાનું દબાણ સર્જાયું હતું.

Follow Me:

Related Posts