fbpx
રાષ્ટ્રીય

ચીનમાં કોરોનાની ૩ લહેર આવશે તો શું ભારતમાં પણ લાગશે લોકડાઉન?!..

ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં જ કોરોના વાયરસ મહામારીએ ચીનના વુહાન શહેરમાં પોતાનો રંગ દેખાડ્યો હતો. ૩ વર્ષનો સમય વીતવા છતાં અને લાખો લોકોના જીવ લીધા પછી પણ આ બીમારીની ચુંગલમાંથી દુનિયા હજુ આઝાદ થઈ શકી નથી. ભારતમાં પણ આ બીમારીના પગલે લાંબા સમય સુધી લોકડાઉન ઝેલવું પડ્યું હતું. હવે એક અમેરિકી રિસર્ચ રિપોર્ટમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન કોરોના સંક્રમણથી દુનિયામાં ૧૦ લાખ લોકોના મોતની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં જ ફરીથી ચીનથી આવેલા ચિંતાજનક સમાચારોએ બધાના ધબકારા વધારી દીધા છે. માત્ર દોઢ સપ્તાહ પહેલા ૯ ડિસેમ્બરે જ ભારે જનવિરોધ બાદ ચીને પોતાની ઝીરો કોવિડ પોલીસીમાં ઢીલ આપી હતી પરંતુ ત્યારબાદ ચીનમાં કોવિડ-૧૯ના નવા કેસ વધુ ઝડપથી વધવા લાગ્યા છે.

એક્સપર્ટ્‌સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ૩ મહિનામાં ચીનની અંદર કોવિડની ૩ મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી પહેલી લહેર હાલ ચાલુ છે. હવે આનાથી ફરી સવાલ ઉઠે છે કે શું એકવાર ફરીથી ચીનના કારણે સમગ્ર દુનિયાએ લોકડાઉનમાં ધકેલાવું પડશે? અમેરિકાના એક પ્રતિષ્ઠિત શોધ સંસ્થાને આ સપ્તાહમાં રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે વર્ષ ૨૦૨૩માં કોવિડ સંક્રમણ દુનિયામાં ૧૦ લાખથી વધુ લોકોના જીવ લેશે. જેમાં સૌથી વધુ લોકો ચીનના હશે. જ્યાંની રસી દુનિયાની અન્ય સ્ઇદ્ગછ રસીની સરખામણીએ ઓછી પ્રભાવી જણાઈ છે. જાે કે ચીન પોતાની કોવિડ-૧૯ રસીને નબળી માનતું નથી. પરંતુ ચીનના આંકડા મુજબ તેની ૮૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની ઉડધી વસ્તીને જ રસીના ૩ ડોઝ મળ્યા છે. આવામાં અન્ય વસ્તી કોરોનાનો ભોગ બને તેવી શક્યતા પ્રબળ છે. ચીનના મહામારી એક્સપર્ટ ડો. વુ જુન્યોએ ચેતવણી આપી છે કે ચીને કોરોનાની એક બાદ એક લહેરનો સામનો કરવો પડી શકે છે. પહેલી લહેર હાલ ચાલુ છે. જેમાં ઈન્ફેક્શનની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આ લહેર જાન્યુઆરીના મધ્ય સુધીમાં પીક પર જાય તેવી સંભાવના છે. ત્યાં સુધીમાં લાખો લોકો તેની ઝપેટમાં આવી જશે. ડો. જુન્યોના જણાવ્યાં મુજબ કોરોનાની બીજી લહેર ૨૧ જાન્યુઆરીથી ચીની ન્યૂ યરની સાથે શરૂ થઈ શકે છે. કારણ કે આ દરમિયાન દેશમાં લાખો લોકો પરિવાર સહિત આમ તેમ ફરવા જઈ શકે છે. ત્યારબાદ ઈન્ફેક્શનની ત્રીજી લહેર ફેબ્રુઆરી અંતમાં શરૂ થઈ જશે અને તે ૧૫ માર્ચ સુધી ચાલે તેવી શક્યતા છે. આ એ પીરિયડ હશે જ્યારે રજા ભોગવી મોટી સંખ્યામાં પાછા ફરેલા લોકો ફરીથી ઓફિસ જવાનું શરૂ કરશે. ચીનની સરકારે ઝીરો કોવિડ પોલીસીના પ્રતિબંધોમાં ઢીલ આપ્યા બાદ કોરોનાના આંકડાને ક્લાસીફાઈડ કરી દીધા છે. હવે ચીન કોરોનાથી થતા મોતના આંકડા જાહેર કરતું નથી. આ કવાયત ૭ ડિસેમ્બરથી શરૂ થઈ છે.

જાે કે તેના મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ત્યારબાદથી જ રાજધાની બેઈજિંગ અને અન્ય મોટા શહેરોમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ બેઈજિંગ સ્મશાન ઘાટ પર રવિવારે જ ૩૦થી વધુ કોરોના પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ આ મોતનું કારણ ન્યૂમોનિયા ગણાવવામાં આવ્યું. રોયટર્સના રિપોર્ટમાં પણ બેઈજિંગમાં સ્મશાન ઘાટ બહાર મૃતદેહોની લાઈનો લાગવાનો દાવો કરાયો છે. જેનાથી સ્થિતિ ખરાબ થવાની જાણકારી મળી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સમાં પણ એવો દાવો કરાયો છે કે હવે ચીન પહેલાની સરખામણીમાં કોરોના ટેસ્ટિંગ પણ ઓછા કરી રહ્યું છે. કોરોનાની ઘાતક લહેરની ચેતવણી બાદ શાંઘાઈ પ્રશાસને શાળાના બાળકોને બચાવવાની કવાયત શરૂ કરી દીધી છે. વીચેટ પર પોસ્ટ કરાયેલા શાંઘાઈ એજ્યુકેશન બ્યૂરોના નિવેદન મુજબ નર્સરી અને ચાઈલ્ડકેર સેન્ટર સોમવારથી બંધ કરાયા છે.

જ્યારે તમામ શાળાઓને ૧૭ જાન્યુઆરી સુધી ઓનલાઈન ક્લાસ જ લેવાનો આદેશ અપાયો છે. ત્યારબાદ ચીની ન્યૂ યરની રજાઓ શરૂ થઈ રહી છે. શાંઘાઈ ચીનનું સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. અહીં કોરોના લહેર દરમિયાન નવા કેસમાં તોતિંગ વધારો થવાનું અનુમાન છે. આ જ કારણે હોસ્પિટલોમાં ૨.૩૦ લાખ અસ્થાયી કોરોના બેડ તૈયાર કરાયા છે. અન્ય શહેરોમાં પણ આ પ્રકારે વ્યવસ્થા કરાઈ છે. ચીનમાં કોરોનાના નવા કેસ એટલા વધી ગયા છે કે તેનો અંદાજાે ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે ગત સપ્તાહે આપેલા એક નિવેદન પરથી કરી શકાય છે. આ નિવેદનમાં ચીનના હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે કોરોનાના નવા દર્દીઓનું ટ્રેકિંગ કરવું હવે અશક્ય થઈ ગયું છે એટલે કે નવા કેસ એટલા વધી ગયા છે કે તેઓ કોને મળી રહ્યા છે અને કોણ કોણ તેમના કારણે વાયરસના સંપર્કમાં આવી રહ્યા છે તેની વિગતો રાખવી અશક્ય બની ગયું છે.

Follow Me:

Related Posts