ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન મર્યાદા કરતા વધુ ખર્ચ પર નિયંત્રણ લાવવા જાહેરનમું પ્રસિદ્ધ
અમરેલી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના અનુસંધાને ઉમેદવારોના મર્યાદા કરતા વધુ પ્રચાર ખર્ચ પર નિયંત્રણ મુકવા અંગેના તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂંટણી પંચ તરફથી અપાયેલ સૂચના મુજબ આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડેલ છે.
કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી વગર ધ્વજ, બેનર્સ, હોર્ડિંગ, કટઆઉટ જેવા પ્રચારના સાધનો જાહેરસ્થળોએ લગાવી શકાશે નહિ. તેમજ આ અંગેનો ખર્ચ વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ આકારે જવું નહિ. ખાનગી સ્થળોએ માલિકની મંજૂરી વગર જમીન, મકાન, કમ્પાઉન્ડ દીવાલનો ઉપયોગ કરી શકાશે નહિ. સભા, રેલી કે મિટિંગ જે સ્થળે હોય ત્યાં તેટલા સમય માટે જ પ્રચાર માટેના બેનરો, પોસ્ટરો લગાવી શકાશે. સભા, રેલી પૂર્ણ થયે આ તમામ પ્રચાર સામગ્રી હટાવવી પડશે. ચૂંટણીલક્ષી તમામ પ્રક્રિયાઓ અને કાર્યક્રમો દરમિયાન કોવીડ-૧૯ અંગેની ગાઇડલાઇન, સોશ્યલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક વગેરેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
કોઇ ઉમેદવારો કે રાજકીય પક્ષો અથવા તેમના ટેકેદારોએ કોઇ કટઆઉટ દરવાજા (GATES) કે કમાનો (ARCHES) ઉભા કરવા નહિ. ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં એક સાથે ત્રણ થી વધુ વાહનો લઇ જઈ શકાશે નહિ. આ સાથે છટાદાર ભાષણો આપવાની, ચાળા કરવાની તેમજ કોઇના ચિન્હો, નિશાની દેખાડવાની કે તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે. સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કરતા વધુ વ્યક્તિઓ એકસાથે ગેરકાયદેસર ભેગા થવા કે રેલી/સરઘસ ન કાઢવા જણાવેલ છે. હુકમનો અમલ અમરેલી જિલ્લામાં ચુંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિએ ચૂંટણીની દરેક પ્રક્રિયા દરમિયાન સરકારની વખતોવખતની કોવીડ-૧૯ ની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Recent Comments