ચૂંટણી નજીક આવતા જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની ઘુષણખોરી, ખેડા નજીકથી 1.58 લાખના દારૂના જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધી ફક્ત ચોપડે જ છે બાકી રોજબરોજ ગુજરાતની બહારથી હજારો લીટર દારૂની હેરાફેરી થતી હોય છે. આવા જ એક કિસ્સામાં ગઈકાલે રાજસ્થાનથી બગોદરા હાઇવે પર ખેડાના સાતતાણીયા પાસેથી 1.58 લાખનો દારૂના જથ્થા સાથે એક કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર સહિત 5 બુટલેગરો સામે ફરિયાદ નોંધી હતી. ખેડા જિલ્લામાં બુટલેગરો બેફામ બની ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. પોલીસ આવી બદીઓને અંકુશમાં લાવવા પ્રયાસો હાથ ધરી રહી છે. રાજસ્થાનથી બગોદરા સ્કોર્પીયો કારમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ખેડાના સાતતાણીયા પાસેથી ખેડા ટાઉન પોલીસે પકડી પકડાયો હતો જેમાં કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે આ બનાવમાં દારૂનો જથ્થો મળી કાર સાથે કુલ રૂપિયા 11 લાખ 23 હજાર 450નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા ટાઉન પોલીસના માણસો ગતરોજ ખેડા વિસ્તારમાં આવેલ મહેમદાવાદ રોડ પરના સાતતાણીયા વિસ્તારમાંથી પસાર થતી અમદાવાદ પાર્સીગની સ્કોરપીઓ કાર નંબર (GJ 01 HV 0393)ની અટકાવી હતી અને પોલીસને આ કારમાંથી દારૂ છુપાયો હોવાની શંકા જતા કારચાલક રાજુભાઈ દલાભાઈ ડામોર (રહે. ભુવાલી, તા.જિ.ડુગર, રાજસ્થાન)ને નીચે ઉતારી કારમાં તલાસી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી ઈંગ્લીશ દારૂની જુદા-જુદા માર્કાની બોટલ નંગ 264 કિંમત રૂપિયા 1 લાખ 58 હજાર 400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલકની અટકાયત કરી આ દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવ્યો અને કોણે ભરી આપ્યો અને ક્યાં ઉતારવાનો હતો તે દિશામાં પૂછતાછ કરી હતી.
કારચાલક રાજુએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સુનિલ પરમાર, પ્રતાપસિંગ અને માનસિગ શંકર નામના બુટલેગરે ભરી આપ્યો છે. આ દારૂનો જથ્થો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે રહેતો રાજુ કોળી પટેલને ત્યાં લઈ જવાતો હતો. ખેડા ટાઉન પોલીસે કુલ રૂપિયા 1.58 લાખનો દારૂનો જથ્થો મળી કાર સાથે કુલ રૂપિયા 11 લાખ 23 હજાર 450નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 5 ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments