અમરેલી

ચૂંટણી પંચ દ્વારા પ્રત્યેક વિધાનસભા બેઠકો પર યુવા પોલીંગ સ્ટાફ નિયુક્ત કરવાની પહેલ કરવામાં આવી

રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ચૂંટણી પંચ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં પ્રત્યેક વિધાનસભા બેઠકોમાં એક-એક યુવા પોલીંગ સ્ટાફ ધરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ મતદાન મથકો પર ૨૫-૩૦ની વયજૂથના કર્મચારીઓ મતદાનના દિવસે તેમને સોંપવામાં આવી હોય એ ફરજ બજાવશે. આ નવતર પહેલ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુસરતા ૯૫-અમરેલી વિધાનસભાના એક પોલીંગ બુથ માટે યુવા પોલીંગ સ્ટાફની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મદદનીશ ચૂંટણી અધિકારી ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગ-મામલતદાર અમરેલી ગ્રામ્યની એક યાદી મુજબ અમરેલી વિધાનસભા વિસ્તારના મતદાન મથક ૧૭૨, અમરેલી-૫, પ્રાથમિક કન્યા શાળા, પૂર્વ બાજુનો રૂમ નં.૨માં યુવા પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. મહત્વનું છે કે, આ પ્રકારે જિલ્લાની તમામ વિધાનસભામાં એક મતદાન મથક યુવા પોલીંગ બુથ તરીકે નિયત કરવામાં આવતા ૨૫ થી ૩૦ વર્ષની વય ધરાવતા હોય તેવા યુવા અધિકારી – કર્મચારીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવી કામગીરી માટે કાર્યરત રહેશે.

Related Posts