ચોમાસુ શરૂ થતું હોય ખેડૂતો ખેતીકાર્ય કરવા તૈયાર હોય વીજળીનાં અભાવે વ્યાપક પરેશાની
વાવાઝોડાથી પીજીવીસીએલ રાજુલા સબ ડિવિઝન નીચે આવતા ગામોની ખેતીવાડીની લાઈનનાં પોલ, અમુક ટીસી, વાયરો પડી ગયા છે. આજે 18 દિવસ થવા છતાં વીજ પુરવઠો નહી મળતાં વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, ખેતમજુરો, માલઢોરને પીવાના પાણીની ભયંકર સ્થિતિ છે. ગામડે ચાલતી પીવાનાં પાણીની સુવિધા વાડી વિસ્તારમાં મળતી નથી. ગામની લાઈટ અને વાડીની લાઈનનાં અલગ અલગ ફીડર છે જેથી વાડી વિસ્તારનાં ટીસી જે વાવાઝોડા પછી ઉભા છે, ચાલુ છે. રોડનાં કાંઠા વિસ્તારનાં ટીસીમાં આવતા ખેતીવાડી કનેકશનોને ગામની લાઈટ શરૂ થાય તેમાંથી વાડીનું ફીડર ચાલુનો થાય ત્યાં સુધી કામ ચલાઉ ધોરણે પાવર આપી ખેડૂતોનાં બોર/કૂવાઓની મોટરો ચાલુ થાય તેમ કરવા રાજુલા-ખાંભા તાલુકાનાં ગામડાનાં ખેડૂતોની માંગણી ઉભી થઈ છે. જેથી માણસો અને માલઢોરનેપીવાનાં પાણીની વ્યવસ્થા થઈ શકે. હાલ ખૂબ જ તાપ, ગરમી પડે છે, લાઈટ નથી જેથી માલઢોર, ખેત મજુરી, ખેડૂતોને વાડી વિસ્તારમાં રહે છે તેઓને પીવાનાં પાણી, રાત્રીનાં અંધારાનાં લીધે જંગલી જાનવરોની રંઝાડ, ચોરી-લૂંટફાટનાં કારણે સ્થિતિ અતિ ગંભીર છે. 18 દિવસ થવા છતાં રાજુલા-ખાંભા વિસ્તારનાં ખેતીવાડીની લાઈનનું સમારકામ ચાલું કરેલ નથી. જવાબદાર પીજીવીસીએલનાં કોઈ અધિકારી ખેતીવાડીની લાઈન પડી ગઈ છે તે જોવા પણ આવેલ નથી. ખેડૂતોએ પોતાના કનેકશન સામે એડવાન્સ વાર્ષિક બીલ ભર્યા છે તેમજ હાલ પિયતની મોટરો બંધ રહેતા ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થઈ રહૃાું છે. તેની સામે જયાં સુધી ખેતીવાડીનો પાવર બંધ રહે તે સમય સુધીનું બીલ માફ કરવું જોઈએ અને પાવરને અભાવે ખેડૂતોને પિયતનું થનાર નુકસાનનું વળતર મળવા અને પીવાનાં પાણીની વ્યવસ્થા થાય તે માટે તાકીદે કામ ચલાઉ ધોરણે પાવર ચાલું કરવા રાજય સરકાર તાત્કાલીક યોગ્ય નિર્ણય કરે તેવી રાજુલા-ખાંભા તાલુકાનાં ગામડાનાં ખેડૂતવર્ગની માંગણી ઉભી થઈ છે. વાડી વિસ્તારમાં રહેતા લોકોનું કોઈ જોતું નથી તો જીલ્લાનાં અને તાલુકાનાં સ્થાનિક નેતાઓ/ ધારાસભ્યો તેમજ કિસાન સંઘ યોગ્ય ઘ્યાન આપે તેવી પ્રબળ માંગણી થઈ રહી છે.
Recent Comments