રાષ્ટ્રીય

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાંથી એક સારા સમાચાર આવ્યા હતા જેમાં રાજ્યમાં નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર ૩૬ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ તમામ નક્સલવાદીઓની ભારતીય સૈનિકો અને છત્તીસગઢની પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી.

ભારતીય સુરક્ષા અધિકારીઓ સામે આત્મસમર્પણ કરેલા નક્સલીવાદીઓ પૈકી દુધી પોજ્જા (૨૭), તેની પત્ની દુધી પોજ્જા (૨૪), મહિલા નક્સલવાદી જયક્કા ઉર્ફે આયતે કોર્સા (૫૧), કાવાસી મુડા (૩૦), કરમ નરન્ના ઉર્ફે ભૂમા (૬૫) અને રૈનુ ઉર્ફે મદકામ સુક્કા (૩૫) એ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ દુધી પૌજા પર રૂ. ૮ લાખ અને જયક્કાના માથા પર રૂ. ૫ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તે ઉપરાંત કાવાસી મુડા પર રૂ. ૫ લાખ, કરમ નરન્ના પર અને રૈનુ પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસના ‘પુના નરકોમ’ અભિયાનથી પ્રભાવિત અને માઓવાદી નેતાઓના ભેદભાવપૂર્ણ વર્તનથી કંટાળેલા આ નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આ નક્સલવાદીઓ પર પોલીસ ટીમ પર હુમલા સહિત અનેક નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હોવાના આરોપો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે.

Related Posts