અમરેલી

છેલ્લા બે વર્ષમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં રૂપિયા 27. 06 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો-ગૃહમાં પ્રવાસન મંત્રીએ આપી માહિતી

ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ છેલ્લા બે વર્ષમાં થયેલ ખર્ચ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ લેખિતમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં રૂપિયા 27. 06 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મહોત્સવો દરમિયાન રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ, સરભરા અને અન્ય ખર્ચ માટે બે વર્ષમાં 1. 68 કરોડ રૂપિયાનો ખર્ચ હોવાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના કાળમાં લોકો ઓક્સિજન, દવા અને હોસ્પિટલમાં પથારી વિના ટળવળીને મોતને ભેટ્યા ત્યારે સરકાર ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત હતી. કોરોનામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતની ભાજપ સરકાર બેશરમ થઈને વાયબ્રન્ટના આયોજનમાં મસ્ત હતી. ખેડૂતોના દેવા હોય કે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની ફી માફીની વારંવાર માગણી છતાં મહામારીમાં નોકરી-ધંધા ગુમાવનારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોનું હીત જોવાને બદલે ભાજપ સરકાર નાણાં નથીનો રાગ આલાપતી રહી હતી. કોરોનાના કેસો અને મૃત્યુ પામેલા લોકોના આંકડા છૂપાવનારી આ ભાજપની અસંવેદનશીલ સરકાર સમક્ષ કોંગ્રેસે વારસદારોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની માગણી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં ખોટું એફિડેવીટ કરીને જુઠ્ઠાણાં ફેલાવતી સરકારે આ માગણી હજુ સુધી સ્વીકારી નથી.

Related Posts