બેંગલુરુ શહેરમાં ઝિકા વાયરસના પાંચ કેસ નોંધાયા છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ રવિવારે કહ્યું કે ૪ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ વચ્ચે બેંગલુરુના જીગાનીમાં ઝીકા વાયરસના આ તમામ કેસની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે ઝિકા વાયરસના સામાન્ય લક્ષણો છે અને તેની સારવાર ડેન્ગ્યુની સારવાર જેવી જ છે. આરોગ્ય મંત્રી ગુંડુએ કહ્યું, “જ્યારે ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, ત્યારે આસપાસના વિસ્તારોમાં પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારબાદ ઝિકા ચેપના પાંચ કેસ મળી આવ્યા હતા.” તેમણે કહ્યું કે તે મુજબ આસપાસના વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. અગાઉ જુલાઈમાં મહારાષ્ટ્રમાં પણ ઝિકા વાયરસના ૬ કેસ નોંધાયા હતા.
આ સંક્રમિતોમાં બે ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઝીકા વાયરસ એડીસ મચ્છર દ્વારા ફેલાય છે. ઝીકા વાયરસ આ મચ્છરોના કરડવાથી માણસોમાં પ્રવેશ કરે છે અને તેમને બીમાર બનાવે છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો માટે પણ આ મચ્છરો જવાબદાર છે. ઝિકા વાયરસથી સંક્રમિત વ્યક્તિના લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં તાવ, માથાનો દુખાવો, લાલ આંખો, શરીર પર ચકામા, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો શામેલ છે. ઝિકા વાયરસની અસર સામાન્ય રીતે બે થી સાત દિવસ સુધી રહે છે. આ ચેપને શોધવા માટે લોહી અને પેશાબની તપાસ કરવામાં આવે છે. ઝિકાથી બચવા માટે, ડેન્ગ્યુ જેવા રોગોને રોકવા માટે સામાન્ય રીતે સમાન ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. આ સિવાય એવા કપડાં પહેરો જે શરીરને વધુ ઢાંકે, જેથી મચ્છર કરડવાનું જાેખમ ઓછું થાય. આ સિવાય એવા વિસ્તારોમાં જવાનું ટાળો જ્યાં સંક્રમિત દર્દીઓ રહે છે. ખાનપાનનું પણ ખાસ ધ્યાન રાખવું.
Recent Comments