જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કાર નિમિત્તે ચોથો નિશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પ થયો
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ એમણે જાહેરાત કરી હતી કે તેઓ આજીવન ફૂલહાર, પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો કે સન્માનપત્ર સ્વીકારશે નહીં પણ એમનું સન્માન કરવું હોય તો “ સન્માન બદલે સેવા “ કરો.
જગદીશ ત્રિવેદીના મૌલિક અને સમાજોપયોગી વિચારને એમના ચાહકો અને મિત્રોએ વધાવી લીધો હતો અને પદ્મશ્રી નિમિતે ગુજરાતના કુલ ૧૧ શહેરમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરવા અને એમાં દવા પણ તદ્દન મફત આપવી એવી જાહેરાત કરી હતી.
આ શૃંખલા અંતર્ગત પહેલો કેમ્પ દર્શન વિદ્યાલય- રતનપર , બીજો કેમ્પ શ્રી સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવન- સુરેન્દ્રનગર, ત્રીજો કેમ્પ બ્રહ્મસમાજ બોટાદ તરફથી સંપન્ન થયા બાદ ચોથો કેમ્પ તા.૨૬/૪/૨૪ ના રોજ પ્રથુગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં થયો હતો. પાંચમો કેમ્પ વસાડવા ગામમાં ૨૯/૪ ના રોજ થનાર છે. છઠ્ઠો કેમ્પ મે માસમાં મહુવા બ્રહ્મસમાજ દ્રારા થશે , સાતમો કેમ્પ રાજકોટ સર્જન ડોક્ટર્સ એશોશિએશન કરશે અને આઠમો કેમ્પ અણીન્દ્રા ગામમાં યોજાનાર છે. તા.૧૨/૧૦/૨૦૨૪ ના રોજ જગદીશ ત્રિવેદીના જન્મદિવસે એમની રકતતુલા કરી ભવ્ય રક્તદાન કેમ્પ દ્રારા આ ૧૧ કેમ્પના અભિયાનની પૂર્ણાહૂતિ થશે.
પ્રર્થુગઢ ગામની સરકારી પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર જીલ્લાની આદર્શ પ્રાથમિક શાળા છે. આ શાળાના આચાર્ય ચેતનભાઈ કાનાણી પહેલા મિલટ્રીમાં હતા એટલે એમનામાં સૈનિક જેવી શિસ્ત અને શિક્ષક જેવી નિષ્ઠા છે. એમણે ચોથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.જેમાં દવા પણ નિશૂલ્ક આપવામાં આવી હતી. ડો. શ્યામ શાહના માર્ગદર્શન નીચે આઠ યુવાન ડોક્ટર્સની ટીમ સેવારત હતી.
આ પ્રસંગે સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવનના પૂજયમહાત્માસ્વામી, સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જાણીતા શિક્ષણવિદ ડો. એમ.યુ. ટમાલીયા, ઓશો ધ્યાનકેન્દ્રનાં સંચાલક જશવંત મહેતા તથા શહેરની સુપ્રસિદ્ધ દર્શન વિધાલયનાં સેવાભાવી સંચાલક મહેશભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભોજનની સેવા ગુરુકુળનાં સત્સંગીબંધુ ધીરૂભાઈ અને રાજુભાઈ તરફથી હતી.
Recent Comments