જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ બન્યું છે. બંને પાર્ટીએ મળીને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 48 બેઠકમાં જીત મેળવી છે. કલમ 370 નાબૂદ થયા બાદ હવે જમ્મુ-કાશ્મીરને પ્રથમ મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. આજે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્યોએ ઓમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.નેશનલ કોન્ફરન્સના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને તેમના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડો.ફારૂક અબ્દુલ્લાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આજે બપોરે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજવામાં આવી છે. જેમાં ઓમર અબ્દુલ્લાને નેતા બનાવવા પર સૌએ સંમતિ દર્શાવી હતી. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, હવે કોંગ્રેસ તરફથી સમર્થન પત્ર મળવાની ઔપચારિકતા બાકી છે.
તેને મળતા જ ઓમર અબ્દુલ્લા રાજભવન જશે અને લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.નેશનલ કોન્ફરન્સે આજે બપોરે શ્રીનગરમાં પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી NC અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જો કે, એ પહેલેથી જ નક્કી હતું કે એનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે. પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આની જાહેરાત કરી છે. ગઠબંધન દ્વારા તેની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. નવી સરકાર શનિવાર અથવા સોમવારે શપથ લઈ શકે છે.નેશનલ કોન્ફરન્સના નેતા સલમાન સાગરે શ્રીનગરમાં ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લીધા બાદ કહ્યું કે અમે ઓમર અબ્દુલ્લાને નેતા તરીકે પસંદ કર્યા છે. આ ક્ષણ આપણા માટે ગર્વ અને લાગણીઓથી ભરેલી છે. અમે બધા તેનાથી ખુશ છીએ અને આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. આગામી એક-બે દિવસમાં તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સલમાને કહ્યું કે અમારી સાથે ચાર અપક્ષ પણ જોડાયા છે.
Recent Comments