જમ્મુ-કાશ્મીરથી લઈને અફઘાનિસ્તાન પાકિસ્તાન સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૪ માપવામાં આવી છે. જાે કે સમાચાર લખાય છે ત્યાં સુધી જાનમાલને કોઈ નુકસાન અંગેની માહિતી બહાર આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં આજે ૧૧ઃ૨૬ કલાકે ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી હતી. અહીં ભૂકંપની તીવ્રતા ૫.૪ આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
થોડા દિવસ પહેલા જ આ બંને જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બારામુલ્લામાં ૨૦મી ઓગસ્ટે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ૬.૪૫ કલાકે ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દિવસે પણ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નહોતા. બીજી તરફ અફઘાનિસ્તાનમાં દરરોજ ભૂકંપના સમાચાર આવતા રહે છે. કાશ્મીરનો ખીણ પ્રદેશ ભૂકંપ ઝોન ૫ માં આવે છે. ભૂકંપના જાેખમને લઈને ભારતને ચાર પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. આ ઝોનમાંથી, ઝોન ૫માં સૌથી વધુ સિસ્મિક જાેખમ છે અને ઝોન ૨માં સૌથી ઓછું જાેખમ છે. કાશ્મીર ખીણ અને ડોડા જિલ્લાના તમામ જિલ્લાઓ સિસ્મિક ઝોન ૫ માં આવે છે અને બાકીના જિલ્લાઓ સિસ્મિક ઝોન ૪ માં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦૫માં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા ૭.૬ હતી, જેણે ભારે તબાહી સર્જી હતી. આ વિનાશ મોટાભાગે સરહદી ગામોમાં થયો હતો, ખાસ કરીને બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં વિનાશ સર્જાયો હતો.
Recent Comments