મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યનાં ૯૬.૫૦ ટકા ઘરોને નળ થી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યનાં કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.
પાણીપુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતનાં સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળનું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.
જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.
ગુજરાત સરકારનાં આયોજનબધ્ધ માળખાનાં પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ ૨૦૨૨ સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાનાં આરે છે.
વર્ષ ૨૦૧૯ માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે ૭૧ ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. વળી રાજ્યનાં એક પણ જિલ્લા સંપૂર્ણપણે ૧૦૦ ટકા નળ થી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતનાં નલ થી જલ અભિયાનનાં પરિણામે આજે રાજ્યનાં ૧૬ જિલ્લાઓ સંપૂર્ણપણે ૧૦૦ ટકા નલ થી જલ અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી મેળવતાં થયા છે.
આ ૧૬ જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે.
નલ સે જલ યોજના અંતર્ગત થયેલ તબક્કાવાર કામગીરી પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦ રાજ્યનાં ૯૧,૭૭,૪૫૯ કુલ ઘર પૈકી ૭૫,૯૪,૩૪૭ ઘરોમાં નલ થી જળ પહોંચતું હતુ. વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૬,૨૦,૯૬૨ એટલે કે ૮૩.૦૪ ટકા ઘરોમાં, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૮૬,૭૩,૫૭૫ ટકા એટલે કે ૯૪.૫૧ ટકા ઘરોમાં અને જુન – ૨૦૨૨ સુધીમાં ૮૮,૫૬,૪૩૮ ઘરોમાં જોડાણ આપીને ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ સે જલ અતંર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.
અત્રે નોંધનીય છે કે, જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાનાં પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને નાગરિકોનાં જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાનાં પીવાનાં પાણીનાં સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીનાં પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાનાં પાણી માટેનાં લોકભાગીદારીનાં અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે
Recent Comments