જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લાઠી તાલુકાના આંબરડી ગામે તળાવ ઉંડું કરવાની કામગીરીનો પ્રારંભ
સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં પાઈપલાઈનની કામગીરી પૂર્ણતાના આરે : જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા
—
જૂના ચેકડેમ, તળાવના બંધારા સહિતના જળ સંપત્તિને લગતા કામોનું રિપેરીંગ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા
—
અમરેલી, તા.૧૮ માર્ચ,૨૦૨૩ (શનિવાર) રાજ્યમાં જળ સિંચનના હેતુથી કાર્યરત સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે ચાલી રહી કામગીરીના ભાગરુપે આજરોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો. લોકભાગીદારીથી લાઠી તાલુકાના પીપળવા ગામથી આંબરડી ગામ સુધી સાતલી નદી પર આંબરડી ગામના દાતાશ્રી જયસુખભાઈ અને વાગજીભાઈ તળાવિયાના સહકારથી ૬૦:૪૦ની યોજના હેઠળ આ કામ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુજલામ સુફલામ જળ સિંચન અભિયાનનો એક મહિના વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ અભિયાન હેઠળ ૮૦:૨૦ રેશિયો સુધી લોકભાગીદારી હેઠળ આ કામો કરવાની પરવાનગી આપી છે ત્યારે એન.જી.ઓ. અને સંસ્થાઓને આ કાર્યમાં જોડાવા માટે આગળ આવે તે આવશ્યક છે. હાલમાં સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ શક્ય હોય ત્યાં સુધી સતત પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીની માંગ વધી છે ત્યારે લાઠી તાલુકામાં સૌની યોજનાનું પાણી કેવી રીતે મળી શકે તે ચકાસવા માટે અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે, હવે ફક્ત ૪૭ કિલોમીટરની પાઈપલાઈન બાકી છે, જે વહેલી તકે સમાપ્ત થશે.
જળ સિંચન ઉપરાંત જળસંપત્તિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રિપેરીંગ કામ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, લાઠી તાલુકામાં પણ જૂના ચેકડેમ, તળાવના પાળા સહિતના રિપેરીંગના કામોની દરખાસ્ત મોકલવામાં આવે. સમગ્ર રાજ્યમાં પાણી પુરવઠા વિભાગ મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર આ કાર્ય સક્રિય રીતે ચાલી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે લાઠી-બાબરા તાલુકાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતુ. તેમણે જળસંપત્તિના કાર્યો માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, પ્રાંત અધિકારીશ્રી લાઠી, મામલતદારશ્રી લાઠી, આંબરડીના સરપંચશ્રી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments