જસદણના સિટી સ્કેન સેન્ટરના ડોક્ટર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ
જસદણ મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને જાેરાવરનગર લાતી બજાર ખાતે રહેતા શુભમ પ્રકાશભાઈ ચાવડાએ જસદણ પોલીસ સ્ટેશનમાં હેત ઇમેજિંગ સિટી સ્કેન સેન્ટરના તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી ગઈકાલે જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, જસદણ સર્કલ ઓફિસર વાય.બી. મૂળિયા, ક્લાર્ક બી.જે. ડાભી સહિતના સ્ટાફે આટકોટ રોડ ઉપર પંચમુખી હનુમાનજી સામે આવેલા હેત ઇમેજિંગ સિટી સ્કેન સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલ્યું હતું કે સિટી સ્કેન સેન્ટર દ્વારા દર્દીઓને બિલ કે પહોંચ આપ્યા વગર રિપોર્ટ કરી આપવામાં આવતો હતો. દર્દીઓ બિલ કે પહોંચ માગે તો આપતા નહીં અને સ્ટાફ દ્વારા કહેવામાં આવતું કે, બિલ કે પહોંચ માગશઓ તો સિટી સ્કેન કરી આપીશું નહીં.
પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ પોપટભાઈ ઝાપડીયાએ તેમના ભાઈ કિશોરભાઈ પોપટભાઇ ઝાપડીયાની તબિયત સારી રહેતી નહીં હોય સિટી સ્કેન કરવા માટે હેત ઇમેજિંગ સેન્ટર ખાતે સિટી સ્કેન કરાવવા ગયા હતા. સિટી સ્કેન કરાવવાના ૨૫૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ બિલ અને પહોંચ માગતાં ફરજ પરના સ્ટાફે બિલ કે પહોંચ આપવાની ના પાડી હતી. અને જણાવ્યું હતું કે બિલ કે પહોંચ માગશો તો સિટી સ્કેન કરી આપવામાં આવશે નહીં.
તેમજ સીટી સ્કેનના ઊંચા ભાવ આપવામાં આવે તો વહેલો વારો આવી જાય. આ ઉપરાંત ઢોકળવાના રામભાઇ નારણભાઈ ગઢવીએ પણ રોકડા રૂપિયા ૨૫૦૦ આપ્યા હતા. પરંતુ તેને પણ બિલ કે પહોંચ આપવાને બદલે પહોંચ કે બિલ માગશો તો સિટી સ્કેન કરી આપવામાં આવશે નહીં તેવું સ્ટાફે કહ્યું હતું. આ ઉપરાંત મયુરભાઈ દિનેશભાઈ ગઢવીને પણ આ પ્રમાણે જ રોકડ રકમ લઈને પહોંચ આપવામાં આવી ન હતી. જસદણના નાયબ મામલતદાર એસ.પી. ચાવડાની હેત ઇમેજિંગ સેન્ટરના ડો. પુષ્કર ડાભી સામે દર્દીઓનાં સિટી સ્કેનની રકમ લઇ પહોંચ કે બિલ નહીં આપી છેતરપિંડી કરવા ઉપરાંત કોરોનાના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમોને આધારે જસદણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ જે. એચ. સિસોદિયા ચલાવી રહ્યાં છે.
Recent Comments