જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલના જન્મદિવસે ચાહકોએ યાદ કર્યા
શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝનું એક મોટુ નામ છે. તેનો જન્મ ૧૨ માર્ચ ૧૯૮૪ના રોજ થયો હતો. શ્રેયાએ પોતાના કરિયરની શરૂઆત ઘણી નાની ઉંમરથી કરી હતી. ૪ વર્ષની ઉંમરથી સંગીતનું શિક્ષણ લેનારી શ્રેયાએ ૬ વર્ષની ઉંમરમાં ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ ૧૬ વર્ષની ઉંમરમાં જ તેમને નેમ અને ફેમ મળ્યું. તેમના સફળ કરિયરનો શ્રેય ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને પણ જાય છે. શ્રેયાએ પોતાના કરિયરમાં ખુબ મહેનત કરી અને ત્યારબાદ તે કેમેરાની સામે એક ટીવી રિયાલિટી શો કોમ્પિટીશન દ્વારા દર્શકોની સામે આવી. જ્યારે દર્શકોએ આ શો પર શ્રેયાનો મધુર અવાજ સાંભળ્યો તો લોકો હેરાન રહી ગયા. આ મધુર અવાજની માલિક શ્રેયાને સોનુ નિગમથી લઈને લતા મંગેશકર સુધીનો પ્રેમ અને આર્શીવાદ મળ્યા. આ શોનું નામ ‘સારેગામાપા’ હતું. આ દરમિયાન શ્રેયા ઘોષાલને સંજય લીલા ભણસાલીની માતાએ નોટિસ કરી અને સિંગર વિશે પોતાના પુત્રને જણાવ્યું. તે સમયે સંજય લીલા ભણસાલીએ જ્યારે શ્રેયાને સાંભળી તો તે નક્કી કરી ચૂક્યા હતા કે આ છોકરી તેમની ફિલ્મમાં ગીત ગાશે.
સંજય લીલા ભણસાલી હવે ફિલ્મ ‘દેવદાસ’ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ્યારે સંજય લીલા ભણસાલી શ્રેયાની પાસે બોલિવુડમાં મોટો બ્રેક આપવા માટે પહોંચ્યા તો શ્રેયાને વિશ્વાસ ના આવ્યો પણ સંજય લીલા ભણસાલીએ આપેલા સંગીતને શ્રેયાએ પોતાનો મધુર અવાજ આપ્યો તો દુનિયા જાેતી રહી અને સાંભળતી રહી ગઈ. ભણસાલી શ્રેયા ઘોષાલથી ઘણા ઈમ્પ્રેસ હતા કે તેમને એક ન્યુકમર સિંગરને દેવદાસ ફિલ્મના આલ્બમને ગાવાની તક આપી દીધી. આ ફિલ્મ તો સુપરહિટ થઈ અને સાથે જ આ ફિલ્મના ગીતો પણ ખુબ પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ શ્રેયાએ પાછળ ફરીને જાેયુ નથી અને તે ઈન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી અને ડિમાન્ડીંગ સિંગર બની ગઈ છે. શ્રેયાએ અત્યાર સુધીમાં ઘણા મોટા મોટા એવોર્ડ જીત્યા છે. શ્રેયા ઘોષાલ થોડા મહિના પહેલા જ માતા બની અને એક દિકરીને જન્મ આપ્યો છે.
Recent Comments