જાફરાબાદના બાબરકોટ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા સિંહણનું મેગા રેસ્ક્યુ
અમરેલી જિલ્લામાં સાવજોની વસતિના કારણે વન્ય પ્રાણી અને માનવના સંઘર્ષના દાખલાઓ બને છે. આવા કિસ્સાઓમાં વન વિભાગની કુશળતા અને જાગૃત્તિ દ્વારા રેસ્ક્યુ કરી અને વન્ય પ્રાણીને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. આવું જ એક મેગા રેસ્ક્યુ ઓપરેશન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારમાં કરવાં આવ્યું છે. તા.૧૭-૦૭-૨૦૨૨ના રોજ બાબરકોટમાંથી વન્યપ્રાણી સિંહ (માદા) દ્વારા માનવઈજાના બનાવો ધ્યાને આવ્યા હતા. આશરે ૦૫થી ૦૯ વર્ષની આ સિંહણનું રેસ્ક્યૂ કરી અને તેને સલામત ખસેડવા માટે એક મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષકના જણાવ્યા મુજબ, શેત્રુંજી વન્યજીવ વિભાગના મુખ્ય વન સંરક્ષકશ્રી આરાધના સાહુના માર્ગદર્શન તેમજ નાયબ વન સંરકક્ષકશ્રી ધારી (પૂર્વ), નાયબ સંરક્ષકશ્રી સાસણગીર, કલેક્ટરશ્રી અમરેલી, અને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીના સહયોગથી રાત્રિના ત્રણ કલાકે સિંહને પકડી અને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ રેસ્ક્યુ કામગીરીમાં બૃહદ ગીર વિસ્તારના કુલ ૦૪ વેઇટરનરી ડૉક્ટરશ્રી, ૦૫ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, ૦૫ ફોરેસ્ટર, ૦૫ ફોરેસ્ટ ગાર્ડ અને ૩૪ ટ્રેકર્સ જોડાયા હતા. આ સાથે જ નાયબ વન સંરક્ષકશ્રી શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા દ્વારા અમરેલી/ભાવનગર જિલ્લાના પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે, વન્યપ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવી રાખવું, કોઈ દુર્ઘટના થાય તો વન્યજીવ વિભાગને વાઇલ્ડલાઈફ હેલ્પલાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ વનવિભાગની હેલ્પલાઇન ૧૯૨૬, અથવા ઇ-મેઇલ shetrunjaywildlifedvn@gmail.com પર સંપર્ક કરવો, નાયબ વન સંરક્ષક, શેત્રુંજી વન વિભાગ, પાલીતાણાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments