સોશિયલ મીડિયાને બાનમાં લેનાર ગુનેગારે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂનું ખોટું આઇડી બનાવી તેમના મિત્રો પાસેથી નાણાંની માગણી કરતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરતાં તેમને પણ આ વાતને સમર્થન આપી જણાવ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવાથી તેમના નામનું કોઇ શખસે ખોટું એકાઉન્ટ બનાવ્યું છે. અને એ બોગસ એકાઉન્ટ પર પોતાના મિત્રોને મેસેજ કરી લખ્યું કે, માતા બીમાર છે, પૈસાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ પર આવો મેસેજ જતાંની સાથે જ બે મિત્રએ પોતાને ફોન કરી પોતાના અને પરિવારના ખબરઅંતર જાણ્યા બાદ બનાવની વિગત જણાવતાં પોતાના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યાની જાણ થઇ છે.
બોગસ એકાઉન્ટ બનાવનારે રૂ.બે હજારની માગ કરી હોવાનું જણાવ્યું હતું અને તરત સાયબર ક્રાઇમ પોલીસને માહિતી આપી તપાસ શરૂ કરાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નામનું બોગસ એકાઉન્ટ બનાવનાર અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લા પોલીસવડાના નામનું સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી નાણાંની માગણીના બનાવથી લોકો તેમજ પોલીસબેડામાં ચર્ચાઓ શરૂ થઇ છે. ગુનેગારોએ સોશિયલ મીડિયાને પણ બાકી રાખ્યું ન હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર બોગસ આઇડી બનાવી ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ તેમજ અનેક ઉદ્યોગપતિઓના નામે યેનકેન પ્રકારે રૂપિયાની માગણી કરી નાણાં પડાવી છેતરપિંડી કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે.
Recent Comments