જામનગરના સેતાવાડમાં બંધ મકાનમાં રૂા. ૫.૭૫ લાખની ચોરી થઇ
જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે અને એ પણ જેવો તેવો નહિ એક પછી એક અનેક મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. જામનગર શહેરના સેતાવાડ જેવા ધમધમતા વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા પોણા ૬ લાખની માલમતા ઉસેડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં સેતાવાડા વિસ્તારમાં સુરભી કુકિંગ ક્લાસ સહિતના મકાનમાં રહેતા અને આર્કિટેક તરીકેનો વ્યવસાય કરતા બ્રિજેશભાઈ ભુપેન્દ્રભાઈ ભાઠાના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદરના રૂમના દરવાજાને તાળું ખોલી તસ્કરોએ બેડરૂમમાં પ્રવેશ કરી લીધો હતો.જ્યાં લાકડાના કબાટ નું તાળું તોડી નાખી અંદર રાખવામાં આવેલી સાધનાબેન ભાઠાની માલિકીના સોનાના દાગીના જેમાં બે નંગ સોનાની પાટલી, ૬ તોલા સોનાના વજનની ચાર નંગ બંગડી, ૬ તોલા સોનાના ચેન તથા સાથીયાની ડિઝાઇન વાળા પાટલા અને એક જાેડી સોનાની બુટ્ટી વગેરેની ચોરી કરી લીધી હતી.
ઉપરાંત કુસુમબેનના બાજુના રૂમમાં લાકડાના કબાટમાં બોક્સમાં રાખવામાં આવેલી સોનાની બુટ્ટી તેમજ ૧૦,૦૦૦ ની રોકડ રકમ વગેરે મળી કુલ પાંચ લાખ ૭૫ હજારની માલમત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાવી છે. આ બનાવવાની જાણ થતાં સિટી એ. ડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર એમ બી ગજ્જર અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી કેમેરાઓ વગેરેની મદદથી તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. જામનગર શહેર અને જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે ચૂંટણીની ગરમીની વચ્ચે અને ઠંડીના પ્રારંભ પહેલાં તસ્કરોએ પોલીસની ટાઢ ઉડાડી દીધી છે.
Recent Comments