જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શો રૂમમાં નોકરી કરતા મેનેજર અને કેશીયરે ૨૨ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. કેશીયરે મોબાઈલ વેચાણ પેટેની પાંચ લાખની રકમ જમા નહીં કરાવી અને શોરૂમના મેનેજરે ૧૭ લાખની કિંમતના ફોન બારોબાર વેચી નાખીને છેતરપીંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શોરૂમના માલિક વિજય પ્રેમજીભાઈ જાદવાણીએ સીટી બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સાત વર્ષથી પોતાની ત્યાં મેનેજર તરીકે કામ કરતા આનંદ પ્રતાપભાઈ સંપટ અને ત્રણ વર્ષથી કેશ કાઉન્ટર સંભાળતા ચેતન ગોવિંદભાઈ પાથર નામના શખ્સોએ છેતરપીંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે. કેશ કાઉન્ટર સંભાળતા આરોપી ચેતન પાથરે તારીખ ૨૪/૮/૨૦૨૨ થી ૨૮/૮/૨૦૨૨ સુધીના ગાળામાં જામનગર શાખામાં વેચાણ થયેલા મોબાઈલની રૂપિયા ૪,૯૫,૯૦૬ રૂપિયાની રકમ કંપનીના ખાતામાં જમા કરાવી ન હતી.
કંપની તરફથી આ રકમ માગવામાં આવતી હતી, પરંતુ આ રકમ જમા કરાવી દેવાનું વચન આપી ચેતન પૈસા ઘફલો સામે આવ્યો હતો. પેઢીના સ્ટોકમાં બોલતા રૂપિયા ત્રણ લાખની કિંમતના બે સેમસઁગ ફોલ્ડ, ૧૨, ૧૩ અને ૧૪ સિરિઝના ૧૨ નંગ આઈફોન સહિત ૬ નંગ વિવો મોબાઈલ, રૂપિયા ૩.૨૦ લાખની કિંમતના ત્રણ નંગ સેમસઁગ એસ ૨૨ અલ્ટ્રા ફોન, પાંચ ફોન વિવો કંપનીના અને રિયલમી કંપનીના બે ફોન સહિત રૂપિયા ૧૭ લાખ ૩૪ હજાર ૧૦ રૂપિયાની કિંમતના ૨૫ મોબાઈલ ગુમ જણાયા હતા. આ તમામ ફોન પેઢીના મેનેજર આનંદ સંપટે બારોબાર વેંચી માર્યા હોવાનું સામે આવ્યું હતું. આ બંને કર્મચારીઓ સામે રૂપિયા ૨૨ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments