જામનગરની ગર્વેમેન્ટ ડેન્ટલ કોલેજમાં રાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ કેમ્પસમાં ગતરાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા.
ત્યારે પોલીસે ત્યાં જઈ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડેન્ટલ કોલેજના કેમ્પસમાં બનેલી આ ઘટના બાદ ચારેક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં પણ હાજર પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. આ મામલામાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની વિદ્યાર્થીઓ દ્વારા માગ કરવામાં આવી છે.
Recent Comments