જામનગરમાં તાજિયા જૂલુસમાં વીજકરંટ લાગતા બેના મોત
જામનગરના ધરાનગર-૨માં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જાેડાયા હતા. ત્યારે તાજિયા ૧૧ કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો, જેથી તાજિયાની નજીક રહેલા ૧૨ યુવાનને વીજ-કરંટ લાગ્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આશિફ મલેક અને મહંમદ વાહિદ નામના બે યુવાનનાં મોત થયાં છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ૧૦ પૈકીના બે યુવાનની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
તાજિયાના જુલૂસ બાદ નિશ્ચિત જગ્યા પર રાખવામાં આવે છે અને બીજા દિવસે માતમ મનાવવામાં આવે છે. આ માતમ પૂર્વે જુલૂસ દરમિયાન જ માતમ છવાઈ જતાં શહેરભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ઉચ્ચ અધિકારી જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના ધરાનગર-૨માં તાજિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. તાજિયા દરમિયાન ૧૨ લોકોને વીજ-કરંટ લાગ્યો છે, જેમાં બેનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ૧૦ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં બે યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગોજારી ઘટનાથી માતમ છવાઈ ગયો છે.
Recent Comments